આંદામાન-નિકોબાર ટાપુ
દેશમાં ડ્રગ્સની અત્યાર સુધીની સોથી મોટી ખેપ ઝડપાઈ છે. કેન્દ્ર શાસિત આંદોમાનના દરિયામાંથી 5 ટન (6000 કિલો) ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલ ડ્રગ્સની બજાર કિંમત 25000 કરોડ રૂપિયા છે. ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ પોર્ટ બ્લેર પોલીસ સાથે મળીને કાર્યવાહી કરીને મ્યાનમારની બોટને આંતરી હતી અને તલાશી લેતાં તેમાંથી ડ્રગ્સના વિશાળ પેકેટ મળી આવ્યાં હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન-નિકોબાર ટાપુઓમાંથી 6 હજાર કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં ઝડપાયેલ ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે પોર્ટ બ્લેયરથી 150 કિમી દૂર બેરેન આઇલેન્ડ પાસે એક બોટમાંથી 2 કિલોગ્રામ ડ્રગ્સના 3 હજાર પેકેટ મળી આવ્યા હતા. બોટમાં મ્યાનમારના 6 નાગરિકો સવાર હતા જેમની અટકાયત કરવામાં આવી છે. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટના પાયલટે આ બોટ જોઈ હતી. ડ્રગની દાણચોરીની આશંકાથી, પાઇલટે બોટની નજીક જવાનો પ્રયાસ કર્યો, પરંતુ દાણચોરોએ બોટની ઝડપ વધારી દીધી અને ભાગી જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બોટને ચેતવણી આપવામાં આવી હતી અને તેની સ્પીડ ઓછી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
દરમિયાન પાયલોટે આંદામાન અને નિકોબાર કમાન્ડને આ અંગે જાણ કરી હતી. આ પછી પોર્ટ બ્લેર પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. થોડો પીછો કર્યા બાદ પોલીસ અને કોસ્ટ ગાર્ડે મળીને બોટને પકડી લીધી હતી. અધિકારીઓએ જ્યારે બોટની તલાશી લીધી ત્યારે તેમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. તે ભારતમાં દાણચોરી કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી એનસીબીને આ દવાઓ વિશે માહિતી મળી હતી. આ પછી દિલ્હી NCBએ ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી જેમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.