અમદાવાદ
અમદાવાદ સિવિલ મેડિસિટીની કેડની હોસ્પિટલમાં એપ્રિલ 2023 દરમિયાન વિવિધ 11 કેડર માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી, જેમાં 1,156 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રક્રિયાને દોઢ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી. વારંવાર ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગતરોજ (2 ડિસેમ્બર)થી ઉમેદવારો કિડની હોસ્પિટલની બહાર ગાંધી જગ્યા માર્ગે વિરોધ કરી રહ્યા છે. આખીરાત ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર જ બેસી રહ્યા હતાં.
આજે બીજા દિવસે પણ વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. સતત બે દિવસના વિરોધ બાદ પણ કોઈ અધિકારીએ યોગ્ય ઉત્તર આપ્યો ન હોવાનું ઉમેદવારોનું કહેવું છે. ગત એપ્રિલ 2023 દરમિયાન યોજાયેલ ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં મેરીટ બહાર પાડવામાં આવ્યું ન હતું. પરંતુ ગતરોજ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હોવાથી સાંજના સમયે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પણ 107 જેટલા ઉમેદવારોને ડિસક્વોલિફાઇ કરવામાં આવ્યા હતા.
જેનું કારણ પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ ઉમેદવારો પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી. સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટમાં પણ યોગ્યતા ન હોવાનું જણાવીને 107 ઉમેદવારોને ગેર લાયક ઠરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ 650 બેઠકમાંથી ઘટાડો કરીને 430 બેઠકો રાખવામાં આવી હતી અને ઉમેદવારોની માંગણી પણ સાંભળવામાં આવી રહી નથી. કોઈ પણ અધિકારી ઉમેદવારોને જવાબ આપવા તૈયાર નથી. આજે સવારથી જ તેમને હોસ્પિટલની અંદર પણ પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હોવાથી ઉમેદવારો ઉગ્ર બન્યા હતાં. જેમાં એમ્બ્યુલન્સની સાથેસાથે હોસ્પિટલની અંદર પ્રવેશ કરવા જતાં સિક્યુરિટી દ્વારા પણ તેઓને રોકી દેવામાં આવ્યા હતા.