ગાંધીનગર
ગાંધીનગરના ઝુંડાલમાં રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે થયેલી માથાકૂટ પોલીસ ચોપડે નોંધાઈ છે. બહેનના ઘરે જવા મુદ્દે વૃદ્ધ પત્નીએ પિત્તો ગુમાવી દઈ એકદમ આવેશમાં આવી 72 વર્ષના પતિને લોખંડના ચીપીયાથી ફરી વળતા સમગ્ર મામલે પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં કહેવત છે ઘર હોય ત્યાં ચાર વાસણ ખખડે. જો કે ગાંધીનગરમાં પતિ પત્ની વચ્ચે પિયરીયાને મળવાના મુદ્દે થયેલી માથાકૂટ વૃદ્ધાવસ્થામાં પોલીસ મથક સુધી પહોંચી ગઈ છે.
સમગ્ર મામલે 72 વર્ષના પતિએ પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. વાત જાણે એમ છે, ગાંધીનગરનાં ઝુંડાલ ખાતેની સોસાયટીમાં વૃદ્ધ દંપતી રહે છે. જેમને સંતાનમાં 37 વર્ષની દીકરી અને 32 વર્ષનો દિકરો પણ છે. ગઈકાલે સાંજના વૃદ્ધ પતિ પત્ની ઘરે હાજર હાજર હતા. એ વખતે પત્નીએ પતિ પાસે જઈને કહેલ કે મારે મારી બહેનના ઘરે મહેસાણા જવાનું છે. તમે મારી સાથે ચાલો અને ત્યાં જવા માટે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી લો.
જોકે સહજ રીતે 72 વર્ષીય પતિએ સાથે જવાની અનિચ્છા દર્શાવી હતી. આ સાંભળીને પત્નીએ પિત્તો ગુમાવી દીધો હતો. અને રસોડામાં જઈને લોખંડનો ચીપીયો લઈ આવી વૃદ્ધ પતિને ફટકારવાનું શરૂ કરી દીધું હતું. દરમ્યાન ચીપીયો માથાના ભાગે વાગવાથી વૃદ્ધને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. વૃદ્ધાવસ્થામાં પણ પત્નીના રૌદ્ર સ્વરૂપને જોઇને ગભરાઈ ગયેલ પતિ જેમતેમ કરીને ઘરની બહાર નીકળી ગયા હતા.
અને સોસાયટીના સુપરવાઇઝર મારફતે દીકરાને સઘળી હકીકત જણાવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં વૃદ્ધને પ્રાથમિક સારવાર કરીને રજા આપી દેવામાં આવી હતી. જો કે દીકરાને લઈ વૃદ્ધ અડાલજ પોલીસ મથકે પહોંચી ગયા હતા. અને પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.