ગાંધીનગર
ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી ખાસ દરજ્જો ભોગવે છે ત્યારે તેનો વિકાસ હવે મેટ્રોપોલિટન સિટીની જેમ થઇ રહ્યો છે. અહીં મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થઇ છે ત્યારે હવે રીવરફ્રન્ટ પણ બનવા જઇ રહ્યો છે. અમદાવાદનો રીવરફ્રન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે તો હવે ગાંધીનગર પણ રીવરફ્રન્ટની સુવિધા ધરાવતું શહેર બનશે. ગિફ્ટ સિટીમાં હાલ દેશ- વિદેશની કંપનીઓ આવી રહી છે બીજીતરફ ગિફ્ટ સિટીને સમાંતર રીવરફ્રન્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સિગ્નેચર બ્રિજથી શાહપુર બ્રિજ સુધી 5 કિલોમીટર વિસ્તારમાં રીવરફ્રન્ટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં અમદાવાદના રીવરફ્રન્ટને ગાંધીનગર સાથે જોડવાનું આયોજન છે. જેથી આ સમગ્ર બેલ્ટ એકબીજા સાથે કનેક્ટ રહેશે સાથે અમદાવાદ- ગાંધીનગર લિન્ક સિટીને પરિવહન માટે પણ નવી કનેક્ટીવિટી મળશે. રીવરફ્રન્ટને કારણે શહેરના વિકાસને નવી દિશા મળશે. રીવરફ્રન્ટની આસપાસના વિસ્તારમાં પણ ડેવલપમેન્ટ વધશે.