
સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ આ તાલુકામાં મળતો તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેક્ટ નાખવા હિલચાલ

અમદાવાદ
એક તરફ સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ લાખથી વધુ ઝાડને કાપી નાખવા માટે અધિકૃત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર ઓછું થતું જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા તેમજ આજુ બાજુના ગામડાઓમાં સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે કે માંડવી તાલુકાના ૧૦ ગામડાઓના પર્યાવરણ અને દરિયાઈ જીવ-સૃષ્ટિ તેમજ ખેતી અને પશુપાલન નેસ્તો-નાબૂદ ના થાય તે હેતુથી જીએચસીએલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવામાં આવે નહીં. જીએચસીએલ કંપની સામે સ્થાનિક સ્તરે આજુબાજુના બધા જ ગામડાઓની પ્રજામાં ખુબ વિરોધ છે.કોઈ પણ ગામને આ કંપની સ્વીકાર્ય નથી.
માંડવીમાં ગામડાઓમાં સમૃદ્ધ અને સારી બાગાયતી અને વરસાદી એમ બેઉ પ્રકારની પ્રાકૃતિક ખેતી અને પશુપાલનના રોજગાર છે તેમજ ૪૦ કિલોમીટર પર મુંદ્રા બંદર છે જેમાં લોકો સારી એવી રોજગારી અને સ્થાનિક નાના મોટા વ્યવસાય મેળવે જ છે. આ કંપની આવવાથી સ્થાનિક લોકો માટે કોઇ નવી રોજગારી ઉભી નહીં થાય પરંતુ જે અત્યારે રોજગારી છે તે પણ છીનવાઇ જશે. કંપનીની લોક સુનાવણી બાબતે એટલો મોટો વિરોધ અને લોકજુવાળ ઉપડયો હતો કે એક વખત લોક સુનવણી રદ કરવામાં આવી. ત્યારબાદ બીજી વખત કંપનીના પર્યાવરણ રિપોર્ટમાં અનેક અધુરપો હોવા છતાં જોહુકમી અને પોલીસ બળ દ્વારા બીજી વખત લોક સુનાવણી કરવામાં આવી જેમાં ૫૦૦૦થી વધુ લોકોએ પોત પોતાની રીતે વિરોધ નોંધાવેલ હતો.
વૈકલ્પિક દ્રષ્ટીએ જોતાં પણ માંડવી તાલુકો પર્યટન તરીકે વિકસે એવી કુદરતી સુંદરતા છે. તાજેતરમાં માંડવીમાં દરિયા કિનારાના ૨ બીચનો વિકાસ કરવા પહેલ થયેલી છે જેમાં એક માંડવી શહેર નજીકનો દરિયાકિનારો છે અને બીજો આસાર માતા (નાના લાયજા) નજીકનો બીચ (દરિયાકિનારો) છે. આસાર માતા બીચ આ કંપની પ્રસ્તાવિત જગ્યાની ૫km ત્રિજ્યામાં આવે છે તેથી જો કંપનીનું કારખાનું બનાવવામાં આવે તો પર્યટન માટે આ બીચ કોઇજ કામનો રહેશે નહિ.આ વિસ્તારમાં પહેલેથી કોઇ રસાયણ આધારિત ઉદ્યોગ નથી કે સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ આ તાલુકામાં મળી નથી આવતો. તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેક્ટ નાખવા હિલચાલ કરી રહી છે. સોડાએસ બનાવવાની પ્રક્રિયામાં માટે લાઈમ સ્ટોન, મીઠું અને કોલસો જરૂરી છે જે આ તાલુકામાં ઉપલબ્ધ નથી. કાચો માલ (લાઇમ સ્ટોન, મીઠું, અને કોલસો) પરિવહન દ્વારા આ કારખાના માટે અહીં લઇ આવવામાં આવે તો તે પણ વચ્ચે આવતા બધા વિસ્તારો માટે પ્રદૂષણકારી અને જોખમી છે. જીએચસીએલનો હાલમાં કાર્યરત સુત્રાપાડા વિસ્તારનો પ્લાન્ટ દરિયાઈ પર્યાવરણ અને ત્યાની ખેતીને ખુબજ નુકશાન કરી તદ્દન વિનાશ ના આરે લાવી દીધો છે, માંડવીના ગ્રામજનોએ નજરે જોઈ અને વિડીયોગ્રાફી કરી હતી જેમાં કંપનીની ફેક્ટરીના આજુબાજુના કિલોમીટરના વિસ્તારમાં ગાંડો બાવળ પણ ઉગતો બંધ થઈ ગયો છે અને ગટરોમાં ગેસ નીકળી રહ્યો છે તથા આજુબાજુના ગ્રામજનો કેન્સર જેવી બીમારીના ભોગ બન્યા છે વળી સુત્રાપાડામાં જીએચસીએલ કંપની ગુજરાત સરકારના જીપીસીબી બોર્ડની આપેલી નોટિસોની પણ સરેઆમ અવહેલના કરી રહી છે. માંડવી તાલુકામાં જ્યાં જી એચ સી એલ કંપનીને જમીન ફાળવવામાં આવી છે તે બાડા ગામની આસપાસની બધીજ જમીનો ખેતી માટે લાયક અને ઉપજાઉ છે તેમજ હવે તો નર્મદાના પાણી પણ ચાલુ થઈ ગયા છે. જીએચસીએલ કંપનીએ સરકારશ્રીને ગેરમાર્ગે દોરીને કલમ ૮૦ગ હેઠળ પ્રસ્તાવિત પ્લાન્ટની જગ્યા બિનઉપજાઉ બતાવેલી છે. બાડા ગામમાં પ્રસ્તાવિત સોડાએસ કારખાના સામે ઉપર દર્શાવેલા સામાજીક, આર્થિક વાંધોઓ ઉપરાંત સ્થાનિકોનો મુખ્ય વિરોધ પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) અને ગ્લોબલ વાર્મિંગના મુદ્દા પર છે. પર્યાવરણની દ્રષ્ટીએ કચ્છ અત્યંત નાજુક પર્યાવરણ ધરાવે છે અને અનેક પશુ પક્ષીઓની જાતિ પ્રજાતીઓનું ઘર છે. કચ્છમાં ઉદ્યોગો માટે કંડલા અને મુંદ્રા પોર્ટ પાસે પુરતી જમીન ઉપલબ્ધ છે અને જ્યાં ઘણા ઉદ્યોગ હાલમાં કાર્યરત્ત છે. આવા ઔદ્યોગીક માળખા વાળા વિસ્તારોને અવગણી અને બાડા નજીક કારખાનું નાંખવું એ પર્યાવરણ માટે અત્યંત ઘાતક અને દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બનશે.
કચ્છમાં માંડવી થી અબડાસા સુધીનો દરિયાઇ વિસ્તાર જ પ્રદૂષણ મુક્ત રહ્યો છે. આ દરિયા કિનારા પર દરિયાઈ કાચબાની ૩ પ્રજાતીઓ (૧) ઓલિવ રીડલી, (૨) ગ્રીન સી અને (૩) લેધર બેક, તેના ઈંડા દેવા માટે ઉપયોગ કરે છે. સંવનન ઋતુમાં માંડવીથી પિંગળેશ્વર સુધીના દરિયાકિનારા પર અનેક માદાઓ ઇંડા મુકે છે તેમાં પણ બાડાનો દરિયો વધુ સાનુકુળ છે. કાચબાની આ પ્રજાતીઓ ભારત સરકારના પ્રાણી સંરક્ષણના શિડ્યુલ ૧ ના પ્રાણીઓ છે અને એનડેન્જર્ડ સ્પેશિસ એટલે કે વિનાશના આરે હોય એવી પ્રજાતીઓ છે. આ વરસે ૨૦૨૨/૨૩ માં બાડા, લાઇટ હાઉસ, સૂથરી, વગેરે એમ કુલ ૬ જગાએ માદા કાચબાએ માળા બનાવી ઇંડા મુકેલ હતા જેનો વન વિભાગે રેકોર્ડ પર લઈ અને સુરક્ષિત ઉછેર કરેલા છે. આ વાતની પુષ્ટી સ્થાનિક વન વિભાગ અધિકારીઓએ કરેલ છે.બાડાથી પિંગળેશ્વર સુધીનો વિસ્તાર માધવપૂર કાચબા ઉછેર કેન્દ્ર જેવો કેન્દ્ર બની શકે તેવો વિસ્તાર છે. સ્થાનિકોની માંગણી છેકે આ દરિયા કાંઠાને ઇકો સેંસેટિવ જોન જાહેર કરવો જોઇએ. આખા ગુજરાતમાં મરીન સાયન્સના અભ્યાસ માટે ફક્ત કચ્છમાં માંડવી ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ આવેલી છે જેમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ દરિયાઈ જીવોના અભ્યાસ માટે અહીં ભણવા આવે છે.
વિદ્યાર્થીઓ કુદરતી પ્રદૂષણ મુક્ત દરિયાઇ જીવ સૃષ્ટિનો અભ્યાસ કરી શકે તેના માટે આ કોલેજ માંડવીમાં બનાવવામાં આવી છે. જીએચસીએલ કંપની માંડવીના દરિયા કિનારાને પ્રદૂષિત કરશે તો તેની અસર આ કોલેજના આ હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે તેમ છે. બાડા ગામની આસપાસ આ કંપની વિસ્તારમાં ૫૦૦ થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરની વસાહતો છે અને સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરેલા શિડયુલ ૧ ના સરિસૃપો, પક્ષીઓ, વગેરેની વસાહતો પ્રસ્તાવિત પ્લાન્ટની જગ્યા જે જૂના મોટા તળાવ તરીકે ઓળખાય છે ત્યાં છે. આ બધી હકીકતો જીએચસીએલ કંપનીએ પોતાના ઈ આઈ એ રિપોર્ટ (EIA report) માં છુપાવેલી છે. કંપનીએ જે સંસ્થા મારફત ઈ આઈ એ રીપોર્ટ બનાવેલા છે તે નીરી (NEERI) સંસ્થાને દરિયાઇ કાંઠા વિસ્તારમાં આવા રિપોર્ટ બનાવવાની માન્યાતા (એક્રેડિસન સર્ટિ) નથી. તેમ છતાં આવા માન્યાતા વગરના ખોટા રીપોર્ટ તૈયાર કરીને પબ્લિક હિયરિંગ (લોક સુનવણી) કરાવેલ છે. આ બાબતને લઇને ભારત સરકારના મંત્રાલય દ્વારા નિરી સંસ્થા ને 6 મહિના માટે સસ્પેન્ડ કરેવામાં આવેલ હતી.
ભારતમાં છેલ્લી ગણતરી મુજબ ફકત ૪ ઘોરાડ પક્ષીઓ જ બચ્યા છે જે આ વિસ્તારમાં છે. સુપ્રીમ કોર્ટના વીજ લાઈનો અડંરગ્રાઉંડ કરવાના હુકમ મુજબ ઘોરાડ (બસ્ટર્ડ) પક્ષીના સંરક્ષણ માટે બાડા, બાંભડાઇ ગામના ઘાસિયા મેદાનો તેના હેબિટેટ એરિયામાં આવે છે અને આ વિસ્તારના ખેડૂતોને પક્ષીની સુરક્ષા માટે વીજળીના કનેક્શનની લાઈનો આપવામાં આવતી નથી. ઘોરાડ પક્ષીના હેબીટેટનો પણ સર્વે કરેલો છે અને વખતો વખત આ પક્ષી આ વિસ્તારોમાં આવે છે. બાડા ગામ ઘોરાડ સેન્ચ્યુરીની નજીક આવેલું ગામ છે. બસ્ટર્ડ (ઘોરાડ) સેન્ચુરીની આટલી નજીકમાં એક અત્યંત મોટા કારખાનાને મંજૂરી આપવામાં આવે તો તેની ઘણી જ ગંભીર અસર ઘોરાડના સંરક્ષણ પર થશે. વિશ્વસ્તર પર સૌથી ગંભીર સમસ્યા ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેન્ટ ચેન્જની છે. વૈજ્ઞાનીકોનું માનવું છેકે ગ્લોબલ વોર્મિંગના કારણે બિપરજોય જેવા ચક્રવાતની સંખ્યા વધી જશે. અને માંડવી જેવા કાંઠાળ વિસ્તામાં હિજરત કરવાનો વારો આવશે. આ અસરો ઓછી કરવા ગ્રીન હાઉસ ગૅસ ઉત્પન્ન કરનાર એકમો પર રોક લાગવી જરૂરી છે. જીએચસીએલ પણ ગ્રીન હાઉસ ગૅસ પ્રોડ્યુસર કરનારા કંપનીઓ માંથી એક કંપની છે. આખા માંડવીમાં ખેતી સરસ છે અને હવે નર્મદાના નીર મળવાને કારણે ઘણી વિકાસ પામેલ છે. ખેતીને કારણે અનેક વનસ્પતિ અને વૃક્ષો વાવવામાં આવે છે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ ગેસ ઓછા કરે છે અને ઑક્સીજનની માત્રા વધારે છે. કંપની આવવાથી ખેતી પડી ભાંગશે અને વૃક્ષોનું નિકંદન નિકળી જશે અને ગ્રીન હાઉસ ગૅસની માત્રા ધાર્યા કરતા પણ વધારે વધશે.
કાંઠા પટ્ટીના ગામડાઓ ઉપર રહેલા સેલ્ટર બેલ્ટના જંગલો અમને આવી કુદરતી આફતોથી રક્ષણ આપે છે, જેને જીએચસીએલ કંપની તેની પ્રસ્તાવીત યોજના મુજબ ટનલ નાખીને ખલેલ પોહોચાડવાની છે.હાલમાં ગુજરાત સરકાર ચેરના વાવેતર માટે મોટાપાયે મૂડી રોકાણ કરેલો છે અને દેશમાં બંગાળ પછી બીજા નંબરે ચેરીયાના વિસ્તાર આપણા રાજ્યામાં આવેલા છે. બાડા ગામની નજીક નાડ તરીકે ઓળખાતો વિસ્તાર ચેરીયાના વાવેતર માટે અત્યંત અનુકૂળ, મોટો અને ખૂલો વિસ્તાર છે. અહીં અને આસપાસના બીજા ગામોના દરિયાઈ વિસ્તારમાં ચેરનો વાવેતર કરવામાં આવે તો બંગાળથી વધુ સારા ચેરીયાના જંગલ બનાવી શકાય જે રોજગારીની સાથે સાથે પર્યાવરણ સુધારશે અને કાંઠાળ વિસ્તારનું બિપરજોય જેવા વાવાઝોડાથી રક્ષણ પણ કરશે.
જીએચસીએલ એ બનાવેલા પર્યાવરણીય ઇ આઈ એ રીપોટ સરકારશ્રીને તદ્દન ગેરમાર્ગે દોરે તેવા છે અને કોઈ પણ વિસ્તારનો અભ્યાસ કર્યા વગર બનાવેલા છે. સ્થાનિક, કોસ્ટલ ઝોન, ફોરેસ્ટ વગેરે કોઈજ ખાતાઓની કોઈ જ પરવાનગી કે સ્થાનિક લોકોના કોઈજ મંતવ્યો લીધેલા નથી.બાડા તથા આજુબાજુના વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ ગૌધન છે અને તેના ગોચર માટે કંપનીને ફાળવાયેલ જમીન નો ઉપયોગ કરવામાં આવે છે બાડા તથા આજુબાજુના પર્યાવરણ અને ખેતીથી સમૃદ્ધ હોવાથી વાર્ષિક ૨૦૦ કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવે છે. આમ ગ્રામજનોને પર્યાવરણના ભોગે કોઈપણ પ્રકારની રોજગારીની જરૂર નથી અને આ કંપનીના આવવાથી ગોચર તથા પર્યાવરણ નાશ પામવાથી ખેતીવાડી અને પશુપાલનને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. કચ્છમાં વર્ષોથી મહાજનએ કચ્છ સંસ્કૃતિનો એક ભાગ છે અને કચ્છ મહાજનએ પણ ઉપરોક્ત પ્રોજેક્ટનો વિરોધ કરેલ છે.
બાડા ગામે ભારતીય સંસ્કૃતિ અને ભારતની વિરાસતનું જતન કરતી ગોએન્કાજી દ્વારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ વિપશ્યના સંસ્થા આવેલી છે. જ્યાં સમગ્ર દેશ અને વિશ્વમાંથી લોકો મનની શાંતિ માટે આવે છે અને સમગ્ર વિશ્વમાં ભારતની આધ્યાત્મિક છાપને વધુ મજબૂત કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પર્યાવરણ બાબતે પુસ્તક પણ લખેલ છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “વિપશ્યના એ પ્રાચીન ભારતની અનોખી ભેટ છે અને આધુનિક વિજ્ઞાન પણ છે જેનો ઉપયોગ યુવાન અને વૃદ્ધ લોકોને તેમના જીવનમાં તણાવ અને તકલીફનો સામનો કરવામાં મદદ કરી શકે છે” ગુજરાત સરકાર દ્વારા જી.એચ. સી.એલ ને જમીન ફાળવીને “શેઠની શિખામણ ઝાપા સુધી” કહેવત સાર્થક કરીને મોદીજીને પણ અવગણ્યા હોય એમ લાગી રહ્યું છે. કોંગ્રેસ સરકારને અનુરોધ કરે છે કે, કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.