બોગસ ખરીદીઓને આધારે ઇન્ફીનીટી એક્ષીમ દ્વારા રૂા.૩૪ કરોડથી વધુની ખોટી વેરા શાખ ભોગવી
અમદાવાદ
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલ માહીતી તથા આનુસાંગિક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જુનાગઢ અને ભાવનગર ખાતે આવેલ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફિનિટી એક્ઝિમ સહિતની ૧૪ કંપનીઓ સામે તા. ૧૧-૧૧-૨૦૨૪ ના રોજ સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.ઉપરોક્ત કામગીરી દરમ્યાન વિભાગે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની રૂ. ૧૯.૪૬ કરોડથી વધુની GST ચોરીમાં સંડોવણી બદલ તા. ૧૩-૧૧-૨૦૨૪ ના રોજ સુરતથી ધરપકડ કરેલ હતી.ઉકત બાબતે M/S. INFINITY EXIM GSTIN-24AAHFI8618P1ZS ના ભાગીદાર પ્રજ્ઞેશ કંતારીયાએ તા. ૦૩-૧૨-૨૦૨૪ ના રોજ તપાસ સત્તાધિકારી સમક્ષ હાજર થયેલ હતા.
તપાસ દરમિયાન આ કંપનીઓ કોપરની બોગસ ખરીદીઓ બતાવીને મોટા પાયે કરચોરી કરતી હોવાનું બહાર આવ્યું હતું. મેસર્સ ઇન્ફિનિટી એકિઝમના ભાગીદાર શ્રી પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાએ કોપર સ્ક્રેપની બોગસ ખરીદીના આધારે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી મોટી કરચોરી કરી હોવાનું જણાયેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી પ્રગ્નેશ કંતારીયા સામે અગાઉ પણ સેન્ટ્રલ GST દ્વારા અન્ય કિસ્સામાં કરચોરી અંગે કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ખોટી વેરાશાખ ભોગવવી તે જીએસટી કાયદાની કલમ-૧૩૨ (૧) (સી) હેઠળ ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા M/s. INFINITY EXIM ના ભાગીદાર પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાની સ્પષ્ટ સંડોવણી જણાતા વધુ ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારું ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ M/s. INFINITY EXIM દ્વારા બોગસ પેઢીઓ પાસેથી રૂા. ૧૮૬ કરોડ થી વધુના ખોટા આર્થિક વ્યવહારો દર્શાવી રૂા. ૩૪ કરોડ થી વધુની ખોટી વેરાશાખ ભોગવી સરકારી તિજોરીને નુકશાન કરેલ છે.તપાસ દરમિયાન ખૂબ મોટા પ્રામાણમાં કરચોરી તથા જીએસટીની બાકી જવાબદારી ઉજાગર થાય તેવી સંભાવના છે. રાજ્યના કર વિભાગ દ્વારા આ કેસમાં સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.