ગાંધીનગરના સેકટર – 25 માં રહેતા મંડપ અને કેટરર્સનાં વેપારીને 4 લાખ 12 હજારના ચેક રિટર્ન થવાના કેસમાં ગાંધીનગરના ચોજા એડ. જ્યુડી.મેજી. એચ.બી.ત્રિવેદીએ તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તેમજ રીટર્ન ચેકની રકમના બમણા એટલે કે 8 લાખ 24 હજાર વળતર ફરિયાદીને ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર ના સેક્ટર ૮ મા રહેતા નિવૃત્ત અધિકારી નરેન્દ્રભાઈ પન્નાભાઈ સુતરીયાના ઘરે વર્ષ 2018 મા પુત્રવધુના શ્રીમંતમાં મંડપ અને કેટરસનું કામ કરતા સેક્ટર – 25 સહકાર કોલોનીમાં રહેતા ચિરાગભાઈ જેઠાભાઈ સુતરીયાને કામ આપવામાં આવ્યું હતું. જેથી નરેંદ્રભાઈ અને ચિરાગભાઈ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
બાદમાં ચિરાગભાઈએ વિશ્વાસ સંપાદન કરી ધંધામાં આર્થિક જરૂરિયાત હોવાનું કહીને રૂ.5 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી નરેંદ્રભાઈએ એક જ સમાજના હોવાથી મદદ કરવાની ભાવનાથી રૂ. 3 લાખ 62 હજાર ચેકથી તેમજ રૂ. 50 હજાર રોકડા એમ મળીને કુલ રૂ. 4.12 લાખ ચિરાગભાઈને ઉછીના આપ્યા હતા.
એ વખતે ચિરાગભાઈએ એક વર્ષમાં પૈસા ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ નિયત સમય મર્યાદા વીતી ગયા પછી પણ પૈસા પરત કરવાની કોઈ દરકાર કરી ન હતી. જેથી નરેંદ્ર ભાઈએ પૈસાની ઉઘરાણી કરતા ચિરાગભાઈએ બે ચેક લખી આપ્યા હતા. જે ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા નાણાંના કારણે પરત ફર્યા હતા.
બાદમાં નરેંદ્રભાઈએ વકીલ મારફતે લીગલ ડિમાન્ડ નોટિસ મોકલી આપવામાં આવી હતી. જે નોટિસ મળી ગયેલ હોવા છતાં ચિરાગભાઈએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેનાં પગલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં ગાંધીનગરના ચોજા એડ. જ્યુડી.મેજી. એચ.બી.ત્રિવેદીએ આરોપી ચિરાગ સૂતરીયાને એક વર્ષની સજા અને રીટર્ન ચેકનાં બમણા એટલે કે રૂ. 8.24 લાખ વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.