17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આ દિવસે પીએમ મોદી રાજ્યની મુલાકાતે આવશે. ગુજરાતની મુલાકાતે આવનારા પીએમ મોદી નીરથી છલોછલ ભરાયેલ સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે. એવી શક્યતા છે કે 17મી સપ્ટેમ્બર સુધી ડેમ 138 મીટરની સપાટીએ પહોંચી શકે છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ સરદાર સરોવર પર મૂકાયેલા દરવાજાનું લોકાર્પણ કરી આ ડેમ દેશને સમર્પિત કર્યો હતો. પીએમ મોદીના જન્મદિવસે ગુજરાતમાં ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.
રાજ્યભરમાં નર્મદાના નીરના વધામણાંની તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે PM મોદીના કાર્યક્રમને લઈ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો, પ્રભારી, મહામંત્રીઓ ભાગ લેશે. ઉપરાંત CM વિજય રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહે એવી શક્યતાઓ છે. આ બેઠકમાં 17મી સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય 14થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવશે. સાથે જ રાજ્યભરમાં 370 મેડિકલ કેમ્પની રૂપરેખા પણ નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં 7 વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ઈન્ચાર્જ, પ્રભારી, હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિન નિમિત્તે માતા હીરાબાના આશિર્વાદ લેવા જઈ શકે છે.