ભગવાન બુદ્ધ તેમની હયાતીમાં મૃત્યુ ધ્યાનનો એક અદ્દભુત પ્રયોગ કર્યો હતો જેમાં ભિક્ષુ થનાર લોકોના મનમાંથી મોતનો ડર કાઢી નાખવા માટે તેમને ડેડબોડી સામે કે સ્મશાનમાં ધ્યાન કરાવવામાં આવતું જેથી કરીને તેઓ જીવનની ક્ષણભંગુરતા પામી શકે અને મોક્ષના પ્રયાસો કરી શકે. આ વાતનું તાજું ઉદાહરણ જોવા મળ્યું છે.થાઇલેન્ડના બૌદ્ધ મઠમાંથી 73 મૃતદેહો મળી આવતા સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. મઠની અંદર આટલા મોટા પાયે મૃતદેહોની હાજરીએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આખરે ગુફામાં બોદ્ધ સાધુઓ દ્વારા લાશો રાખવાનું શું કારણ હોઈ શકે, તેને લઈને લોકોના મનમાં જાતજાતના સવાલ છે.22 નવેમ્બરના રોજ, પોલીસે થાઈલેન્ડના ફ્રિચિત પ્રાંતના શિફકસાંગ પા સંગનાયાથમ મઠમાંથી 73 લાશોને કબજે લીધી હતી. આ લાશોનો ઉપયોગ મઠમાં આધ્યાત્મિક અનુભૂતિ માટે કરવામાં આવતો હતો. 1,600 ચોરસ મીટરમાં ફેલાયેલો આ મઠ ગાઢ જંગલોની વચ્ચે આવેલો છે. આ મૃતદેહોને શબપેટીઓમાં બંધ રાખવામાં આવ્યા હતા. મઠમાં બીજા ચોંકાવવનારી વાત એ છે કે અહીં લાશોની સાથે 600થી વધુ જીવતા મગરોને મોટા તળાવમાં રાખવામાં આવ્યાં છે જે મુલાકાતીઓ જ્યારે મઠમાં આવે ત્યારે જોઈ શકતા હતા.
આશ્રમના મુખ્ય સાધુ, ફ્રા અજાહ્ન સાઈ ફોન પંડિતોએ દાવો કર્યો છે કે “મૃત્યુના ભય” પર કાબુ મેળવવા માટે બૌદ્ધ સાધુઓને તાલીમ આપવા માટે મૃતદેહોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે સાધુઓ આ મૃતદેહોને જોઈને ધ્યાન કરતા હતા જેથી તેઓ મૃત્યુનો વિચાર સ્વીકારી શકે. આ પદ્ધતિ તેમની વ્યક્તિગત શોધનો એક ભાગ હતી, જેનો હેતુ સાધુઓની માનસિક સ્થિરતા અને શિસ્ત વધારવાનો હતો. પોલીસે મઠની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે અને મૃતદેહોને જપ્ત કરી લીધા છે. મૃતદેહોની ઓળખ અને મૂળની તપાસ કરવામાં આવી રહી છે. આ બધા ઘટનાક્રમની વચ્ચે આશ્રમના ભિક્ષુઓએ એવો દાવો કર્યો છે કે આ લાશો તેમના ઘરના અને વૃદ્ધ સાધુઓના છે જેઓ મૃત્યુ પછી આશ્રમમાં રહેવા ઇચ્છતા હતા. તેમણે પોલીસને મૃતકોના પ્રમાણપત્રો પણ બતાવ્યા છે, પરંતુ આ દાવાઓની તપાસ હજુ ચાલુ છે. મૃતદેહોની હાજરી અને મઠમાં મગર રાખવાનું કારણ હજુ પણ રહસ્ય જ છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે મઠની સ્થાપના થયા પછી તેને મોટી માત્રામાં દાન અને સંપત્તિ મળી. જેના કારણે તે પ્રાદેશિક આકર્ષણ બની ગયું.