ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું છે ત્યારે હવે એશિયાની સૌથી મોટી આ સહકારી સંસ્થામાં ભાજપ સામે જ ભાજપ શિંગડા ભેરવશે જેના પાછળ ક્યાંક ને ક્યાંક વર્તમાન ધારાસભ્યની સત્તા માટેની લાલસા જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે એપીએમસી માં ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર અને સાંસદ સહિતના નેતાઓ આવ્યા હતા અને લાંબા સમય સુધી મીટીંગોનો દોર ચાલુ રાખ્યો હતો પરંતુ ધારાસભ્યની સત્તા લાલસા ને કારણે કોઈ સરળ સમાધાન નીકળી શક્યું ન હતું અને છેવટે ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થતાં ચૂંટણી જાહેર કરવાનો વારો આવ્યો હતો ત્યારે હવે ઊંઝા એપીએમસી માં ધારાસભ્ય જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના જૂથ વચ્ચે જંગ જામશે.
સૌથી મહત્વની વાત એ છે કે ભાજપમાં ‘સત્તા એ સેવા માટે’ હોવાના સૂત્રની વાતો કરાય છે પરંતુ ધારાસભ્ય પાસે એક પદ હોવા છતાં પણ તેમની એપીએમસીમાં સત્તા મેળવવાની લાલસા ને કારણે ભાજપમાં જ અંદરો અંદર ખેંચતાણ અને જૂથવાદ સર્જાયો છે. બીજી મહત્વની વાત એ છે કે ધારાસભ્ય પોતાની જવાબદારી નિભાવવામાં પણ ક્યાંક ને ક્યાંક સૌથી નિષ્ક્રિય રહ્યા છે. એટલું જ નહીં જ્યારે ખેડૂતો લૂંટાતા હતા ત્યારે ધારાસભ્ય એ’ આંખ આડા કાન કર્યા’ હતા અને હવે તેઓ ખેડૂતોના નામે પોતાની સત્તા લાલસા પૂર્ણ કરવાના પ્રયત્નો કરે એ કેટલે અંશે યોગ્ય ગણાય ?