બાઇસન એટલે કે અમેરિકન જંગલી ભેંસના હાડપિંજરના પહાડ પર ઊભેલા બે માણસોની તસવીર એ અમેરિકાના વસાહતીકરણ દરમિયાનના શિકારના પ્રતીક તરીકે જાણીતી છે, પરંતુ આ તસવીરની પાછળ એક આશ્ચર્યજનક આધુનિક સંદેશ સાથેની ભયાનક કથા છે. તસવીરમાં કાળા સૂટ અને બોલર ટોપી પહેરેલા બે માણસો અમેરિકન જંગલી ભેંસોનાં હાડપિંજરોના ઊંચા ગંજ પર પોઝ આપી રહ્યા છે.
વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલી હજારો ખોપડીઓના આકાશને આંબતા આ પહાડની 19મી સદીની આ તસવીર વિચલિત કરે તેવી છે, પરંતુ ફોટો જોતાં મનમાં પડતી પહેલી છાપની પાછળ કાળું રહસ્ય છુપાયેલું છે. આ તસવીર અમેરિકામાં અતિ ઉત્સાહથી કરવામાં આવેલા શિકારની નીપજ નથી અને તસવીરમાં જે પુરુષો દેખાય છે તે શિકારીઓ પણ નથી.
નિષ્ણાતો કહે છે કે આ ખોપડીઓ જંગલી ભેંસોને નાબૂદ કરવા, સ્થાનિક અમેરિકનોને મહત્ત્વપૂર્ણ સંસાધનથી વંચિત રાખવા અને નવા આવેલા શ્વેત વસાહતીઓ દ્વારા નિયંત્રિત કરી શકાય તેવા કેટલાક બચેલા સમુદાયોને ખતમ કરવા માટે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવેલા અભિયાનનો પુરાવો છે. કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટીમાં નેટિવ સ્ટડીઝ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર તથા ક્રી ફિલ્મનિર્માતા તાશા હબાર્ડ કહે છે, “આ ફોટોગ્રાફ વિનાશની સંસ્થાનવાદી ઉજવણીનું ઉદાહરણ છે.” બાઇસન(જંગલી ભેંસ)ના સંહારને હબાર્ડ વસાહતી વિસ્તરણનો ‘વ્યૂહાત્મક” હિસ્સો ગણાવે છે.