હાઈકોર્ટનો આગામી સુનાવણીનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ બાંધકામ તોડવા કે રીપેરીંગ ન કરવા અને બિલ્ડીંગની હાલની સ્થિતિ યથાવત રાખવી : વક્ફ બોર્ડેના 31 જગ્યાઓના દાવા પૈકીમાં જમીન અમદાવાદ કોર્પોરેશનની જ હોવાનું સાબિત થયું : બીબીજી મસ્જિદ જગ્યા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તગત કરે એવી શક્યતાઓ : પ્રકાશ ગુર્જર
અમદાવાદ
શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે સલમાન એવન્યુ નામનું 6 માળનું બિલ્ડિંગ આવેલું છે. જેમાં બે માળ પુરાતત્વ વિભાગની ખોટી NOC મેળવીને છ વર્ષ પહેલા બાંધી દેવામાં આવ્યા હતા. આ મામલે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. બિલ્ડીંગને ગેરકાયદેસર બાંધકામ બાબતે સીલ કરી હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા મધ્ય ઝોનના એસ્ટેટ દ્વારા આજે સવારથી જ સલમાન એવન્યુ નામના બિલ્ડિંગમાં ગેરકાયદે બનાવેલા પાંચમા અને છઠ્ઠા માળને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં ડિમોલિશનની પ્રક્રિયા રોકવા માટે અરજી કરવામાં આવી હતી અને તાત્કાલિક હિયરિંગની માગ કરી હતી.
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે,ગુજરાત હાઇકોર્ટમાં સ્ટેટસ કો માટેની જે અરજી કરવામાં આવી હતી, જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને ગેરકાયદે પાંચમા અને છઠ્ઠા એમ બે માળને સીલ કરી તેનો કબજો મેળવી લેવા હાઇકોર્ટ દ્વારા જણાવ્યું છે. તેમજ કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન કરવા આદેશ આપાતા મ્યુનિ.એ બે માળ સીલ કર્યા હતા.હાઈકોર્ટનો આગામી સુનાવણીનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ બાંધકામ તોડવા અથવા રીપેરીંગ જેવી કોઈ કામગીરી ન કરવા અને બિલ્ડીંગની હાલમાં જે સ્થિતિ છે તે સ્થિતિ યથાવત રાખવા જણાવવામાં આવ્યું છે.આ બિલ્ડિંગના પહેલા ચાર માળમાં સ્થાનિક લોકો રહે છે. બિલ્ડર મોઈન ખાન દ્વારા 18 માળની બિલ્ડીંગ બનાવવાની પરમિશન લેવામાં આવી હતી. જે બાદ 22 માળની રિવાઇઝ પરમિશન લેવામાં ખોટી NOC હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે વકફ કમિટીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માલિકીની 31 જગ્યાઓ પર દાવો કર્યો હતો,પરંતુ તે પૈકી એક પણ જગ્યાએ વક્ફ બોર્ડે કબ્જો કર્યો નથી, જે અંગે વક્ફ ટ્રીબ્યુનલમાં પ્રક્રિયા ચાલી હતી.31 જગ્યાઓના દાવા પૈકી દાવામાં જમીન અમદાવાદ કોર્પોરેશનની જ હોવાનું સાબિત થયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 31 દાવા પૈકી 55/2019 દાવામાં કોર્પોરેશનની 4618 ચોરસવાર જમીન ઉપર મસ્જિદ ઉભી કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. રાજપુર ગોમતીપુરમાં કોર્પોરેશનની માલિકીની જગ્યા પર બીબીજી મસ્જિદ બનાવી દેવાઈ છે. આ જગ્યા પર પહેલા મિલ હતી અને 2007 બાદ આ જગ્યા પર મસ્જિદ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ મસ્જિદવાળી જગ્યા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તગત કરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.