તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ઓડોટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ” સેમીનાર યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત દેશ પાસે ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય વારસો છે. બોલી, ભાષા અને સંસ્કૃતિ દ્વારા ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે. જેથી કોઈ દેશની પ્રગતિ વિષે જાણવું હોય તો તે દેશની સંસ્કૃતિ વિષે જાણો. કોઈપણ દેશની પ્રગતિનું મૂલ્યાંકન તે દેશની સંસ્કૃતિ દ્વારા થાય છે. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેની સંસ્કૃતિ હજારો વર્ષોથી ચાલી આવે છે. સંસ્કૃતિનું જતન કરવાની આપની સૌની ફરજ છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ, અહી સિધ્ધપુર મુકામે “માં સરસ્વતી” હરહમેશ આપણને આશીર્વાદ આપે છે. જેથી આવનાર સમયમાં સને ૨૦૪૭ સુધી, વિકસિત ભારતમાં આપના સૌના યોગદાનથી દેશ આત્મનિર્ભર બનશે. જેમાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનું પણ યોગદાન રહેશે. કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભારત પાસે ૬૫% યુવાનો છે. જેથી હુ યુવાનોને અપીલ કરું છું કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ દેશના વિકાસ માટે કરજો. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, ડો. નિશા પાંડે ઉપરાંત ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની શૈક્ષણિક ફેકલ્ટી ઉપરાંત બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા.