ગાંધીનગર

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, મોંઘવારી અને બેરોજગારીએ માઝા મુકી છે, રાજ્યમાં નકલીની ભરમાર ફાટી નીકળી છે, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે, રાજયના ખેડૂતો દિનપ્રતિદિન દેવાદાર,ભારત દેશને કલંકિત કરતી અમેરીકામાં અદાણી જુથ પરના છેતરપીંડી કેસ, મણીપુરની હિંસા અને ગુજરાતની જનતાને સીધા સ્પર્શતા મુદ્દાઓ અંગે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સહિત ધારાસભ્યો અને આગેવાનો રાજ્યપાલશ્રીને મળીને આવેદનપત્ર આપ્યું હતું.અદાણીને ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન રૂ. ૨/- થી રૂ. ૨૫/- ચો. મી. દિઠ પાણીથી પણ સસ્તા ભાવે અદાણી ગ્રુપને ૬,૧૪,૬૪,૧૮૬ ચો.મી. કરતાં વધારે જમીન આપવામાં આવી છે. રાજ્યમાં ગરીબ અને સામાન્ય વર્ગને ઘર બાંધવા માટે ૫૦-૧૦૦ વારના ઘરથાળના પ્લોટ લાંબા સમયથી સરકાર દ્વારા આપવામાં આવતા નથી તે આપવામાં આવે.
અદાણી હસ્તકના મુંદ્રા પોર્ટ/બંદર પરથી અંદાજે રૂ.૨૫,૦૦૦/- કરોડની કિંમતનું ડ્રગ્સ ભરેલું કંટેનર પકડાયેલ, તે બાબતે આજદિન સુધી નક્કર પગલાં લેવાયા હોય અને તેમાં સંડોવાયેલા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવેલ નથી. અદાણીના મુંદ્રા બંદરેથી અગાઉ આટલી મોટી કિંમતના ડ્રગ્સના કેટલા કંટેનર કયાં પહોંચી ગયા તે બાબતે અને આવા કંટેનર મુંદ્રા બંદરે ઉતારવામાં અદાણીની સંડોવણી બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવેલ નથી, જે ચિંતાનો વિષય છે. અદાણી પાવર લિ. સાથે તા.૬-૨-૨૦૦૭ તથા તા.૨-૨- ૨૦૦૭ના રોજ બીડ-૧ અંતર્ગત રૂ.૨.૮૯ પ્રતિ યુનિટ અને બીડ-૨ અંતર્ગત રૂ.૨.૩૫ પ્રતિ યુનિટ લેખે ૨૫ વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયેલા છે. તેમ છતાં માસિક રૂ.૮.૮૫ પ્રતિયુનિટ લેખે ચુકવવામાં આવે છે. તે અન્વયે બે વર્ષમાં ફિકસ પેટે રૂ.૧,૯૧૯ કરોડ મળીને કુલ રૂ.૮,૧૬૦ કરોડ ચુકવવામાં આવ્યા છે.
ખુલ્લેઆમ દારૂ-જુગાર અને ડ્રગ્સના દૂષણના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, હત્યા, લુંટ અને ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ભુમાફીયાઓ માલ-મિલ્કત પડાવી રહ્યા છે, ખનન માફીયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. આરોપીઓને પોલીસનો ડર રહ્યો નથી. ગુજરાતમાં રોજ ૬ મહિલા- દિકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. અસામાજિક તત્વો બેફામ પણે અનૈતિક પ્રવૃત્તીઓ કરી પ્રજામાં ડર- ભય ફેલાવી રહ્યા છે છતાં પોલીસતંત્ર- રાજ્ય સરકાર નક્કર પગલા ભરતી નથી જેથી અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ કહેવામાં આવેલ કે રાજ્યમાં ઓબીસીની કેટલી વસતી યુનીટદિઠ છે તેની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ મુજબ એને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટેની જોગવાઈ કરવામાં આવે તેમછતાં વર્ષો બાદ સમર્પિત આયોગની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ.
રાજ્ય સરકાર દ્વારા વસતીના ધોરણે બેઠકોની ફાળવણી ન થતાં ઓ.બી.સી. સમાજને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેઠક ફાળવણીમાં મોટો અન્યાય થઈ રહ્યો છે. ૭,૦૦૦ કરતા વધારે ગ્રામ પંચાયતો, ૨-જીલ્લા પંચાયત, ૧૭- તાલુકા પંચાયત અને ૭૫ કરતા વધારે નગરપાલિકામાં વહીવટદારોનું રાજ ચાલે છે. વારંવાર રજુઆતો કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે સમર્પિગ આયોગ નામદાર હાઈકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયધીશશ્રી કે. એસ. ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલ આયોગનો રીપોર્ટ રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે અને વહીવદારોનું રાજ દૂર થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી તાત્કાલિક યોજવામાં આવે.