અ.મ્યુ. કો. એ આજ સુધી લેખિત કે મૌખિક ક્યારેય જગ્યાનો કબ્જો છોડેલ નથી. અને કાયદા પ્રમાણે જ્યાં સુધી અ.મ્યુ.કો. કબ્જો ના સોંપે ત્યાં સુધી તે જગ્યા પર કોઈ બીજાનો હક બનતો નથી : ધારાસભ્ય અમિત શાહ
સલીમ જુમ્માખાન પઠાણ નામના હિસ્ટ્રી શીટરે અંદાજે લગભગ ૧૦ જેટલી ગેરકાયદેસર દુકાનો બનાવી, દુકાન દીઠ ૧૨ હજાર લેખે ભાડુ છેલ્લા ૭ વર્ષથી ઉઘરાવે છે ઉપરાંત આ જગ્યાએ સોદાગર બિલ્ડર્સના નામથી પોતાની બે દુકાનોમાં પોતાની ઓફિસ પણ બનાવી
અમદાવાદ
સંસદસભ્ય/ધારાસભ્યોની સંકલનની મીટીંગમાં એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા જમાલપુર કાંચની મસ્જીદની બાજુમાં અ.મ્યુ.કો ની ૨ શાળાઓ ઉર્દુ શાળા નં ૩,૪ તથા ઉર્દુ શાળા નં ૯,૧૦ તોડી ગેરકાયદેસર બાંધકામ કરી કબજો કરવાની રજૂઆત કરવામાં આવી હતી.જમાલપુર કાંચની મસ્જીદ પાસે અંદાજે આજથી ૨૦ વર્ષ પહેલા ઉર્દુ સ્કુલ નં.૩-૪ આવેલ હતી આ શાળામાં જે તે સમયે સવારે ધોરણ ૪ થી ૭ માં અંદાજે લગભગ ૨૦૦ તેમજ બપોરે ધોરણ ૧ થી ૩ માં અંદાજે ૨૦૦ વિધાર્થીઓ ભણતા હતા. વર્ષ ૨૦૦૧ માં આવેલ ભૂકંપ દરમિયાન આ શાળાને થોડુ ઘણું નુકશાન થયેલ હતું. જે તે સમયે કોર્પોરેશને ખૂબ જ સારી રીતે આ શાળાઓનું રીપેરિંગ કામ કરી શાળાને પૂનઃ શરુ કરી હતી. પરંતુ અમુક સમય બાદ શાળાના વિર્ધર્થીઓને મુંડા દરવાજા ખાતે નવી બનેલ શાળામાં શિફટ કરવામાં આવ્યા હતા અને શાળાને અ.મ્યુ.કો. ના શિક્ષણ સમિતિ દ્વારા તાળા મારવામાં આવ્યા હતા. નવાઇની વાત એ છે કે આ શાળાની બાજુમાં રહેતા સલીમ જુમ્માખાન પઠાણ નામના હિસ્ટ્રી શીટરે અંદાજે લગભગ ૧૦ જેટલી ગેર કાયદેસર દુકાનો એ જ સ્થળે બનાવી આ દુકાનોનું એક દુકાનના ૧૨ હજાર લેખે ભાડુ છેલ્લા ૭ વર્ષથી ઉઘરાવે છે. આ ઉપરાંત આ જગ્યાએ સોદાગર બિલ્ડર્સના નામથી પોતાની બે દુકાનોમાં પોતાની ઓફિસ પણ બનાવેલ છે. અને અવાર નવાર ત્યાં રાજકીય કાર્યક્રમો તેમજ મિટીંગો રાખવામાં આવે છે. આ દુકાનોનું બાંધકામ જયારથી ચાલુ થયુ ત્યારથી આજ સુધી મોહલ્લાના કેટલાય જાગૃત નાગરિકોએ અસંખ્ય અરજીઓ કરવા છતાં આ વ્યક્તિ ઠસ થી મસ થયો નથી.
આ જગ્યાની બિલકુલ સામે અ.મ્યુ.કો. દ્વારા ઉર્દુ શાળા નં. ૯-૧૦ છોકરીઓ માટે ચલાવવામાં આવતી હતી જેમાં અંદાજે ૪૦૦ જેટલી છોકરીઓ ભણતી હતી તે શાળાને પણ ઇરાદાપૂર્વક જાણી જોઇને ખંડેર કરી નાખી ધીરે ધીરે તે બાંધકામને પણ પાડી દેવામાં આવ્યુ તેમજ અંદાજે લગભગ મહિના પહેલા આ શાળાની આસપાસ આવેલ વર્ષો જુના વૃક્ષોને કાપી કોમ્પલેક્ષ અને ફલેટ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યુ હતું. પરંતુ આસપાસના જાગૃત નાગરિકો દ્વારા જોરશોરથી વિરોધ કરાયો અને જે તે વિસ્તારના રહીશોએ નામજોગ જુદા-જુદા સરકારી વિભાગોમાં અરજી અને ફરીયાદ પણ કરી હતી જેના પુરાવા અરજી સાથે ધારાસભ્ય અમિત શાહ દ્વારા રજુ કરવામાં આવ્યા. આ બન્ને શાળાઓની જગ્યાની કિમંત કરોડોમાં તેમજ આજ દિન સુધી ઉધરાવેલ ભાડાની કિમંત પણ લાખોમાં છે. ફરિયાદ તેમજ તાત્કાલિક ગેર-કાયદેસર બાંધકામને દુર કરી અ.મ્યુ.કો. દ્વારા જગ્યાનો કબજો મેળવવામાં આવે તેમજ જે તે જવાબદાર વ્યકિતઓ ઉપર પોલીસ ફરિયાદ કરી ઉઘરાવેલ ભાડાની રકમ વસુલી યોગ્ય પગલા લેવામાં આવે તેવું ધારાસભ્ય અમિતશાહે જણાવ્યું હતું.અ.મ્યુ. કો. એ આજ સુધી લેખિત કે મૌખિક ક્યારેય જગ્યાનો કબ્જો છોડેલ નથી. અને કાયદા પ્રમાણે જ્યાં સુધી અ.મ્યુ.કો. કબ્જો ના સોંપે ત્યાં સુધી તે જગ્યા પર કોઈ બીજાનો હક બનતો નથી તેવું પણ જણાવ્યું હતું.