અમદાવાદના રખિયાલમાં ગુંડા તત્ત્વો દ્વારા પોલીસ તંત્રને ચેલેન્જ આપવા મામલે આરોપીઓના ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડયા બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. AMCની જમીન પર કરાયેલા પાકા દબાણો દૂર કરવા માટે બુલડોઝર પહોચ્યું હતું. બાપુનગરમાં તલવાર લઇને રોફ જમાવતા આરોપીઓના ઘરે ફર્યું બુલડોઝર બાપુનગરમાં અક્બરનગરના છાપરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો હાથમાં લેનારા ગુંડાઓના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી ફઝલ શેખ દ્વારા AMCની જમીન પર 3 પાકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. 2 કોમર્શિયલ અને એક રહેણાંક મળી ત્રણેય બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. H ડિવિઝન ACP કચેરીને અડીને જ આવેલા છે ત્રણેય બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.બુલડોઝરની કામગીરી દરમિયાન ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે આ બાંધકામો દૂર કરવા બાપુનગર BJP કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. સિસ્ટમને ચેલેન્જ કરનારને પોલીસ બાદ હવે AMCએ પાઠ ભણાવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.