ચીન અને ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ પહેલીવાર નથી કે જાન્યુઆરીમાં ભૂકંપની આવી અસર થઈ હોય. ભૂકંપને લગતા ભૂતકાળના ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડશે કે જાન્યુઆરીમાં આવેલા ભૂકંપે અનેક દેશોમાં તબાહી મચાવી છે. જાન્યુઆરીમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પણ વધુ રહ્યો છે. જાણો, જાન્યુઆરીમાં આવેલા મોટા ભૂકંપથી કયા દેશોમાં કેટલા લોકોના મોત થયા અને તેનું શું કારણ છે નેપાળ, ચીન અને ભારતમાં મંગળવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ચીન દ્વારા પચાવી પાડેલા તિબેટ પ્રાંતમાં મંગળવારે આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં, અત્યાર સુધીમાં 96 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 130 લોકો ઘાયલ થયા હતા. ભારતમાં ભૂકંપની અસર સિક્કિમ, ઉત્તરાખંડ અને બિહારમાં પણ જોવા મળી હતી. જ્યારે નેપાળના કાઠમંડુ, કાબરેપાલનચોક, સિંધુપાલનચોક, ધાડિંગ અને સોલુખુમ્બુમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ પહેલીવાર નથી કે જાન્યુઆરીમાં ભૂકંપની આવી અસર થઈ હોય. 23 જાન્યુઆરી, 1556: આ તે તારીખ છે, જ્યારે ચીનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં 8 લાખથી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 8ની નોંધાઈ હતી. જેના કારણે એવો હાહાકાર મચી ગયો કે લોકો લાંબા સમય સુધી બેઠા ના થઈ શક્યા. મકાનો અને ઈમારતો લગભગ સંપૂર્ણ ધ્વસ્ત થઈ જવા પામી હતી. લાખો ઘાયલ થયા હતા. મૃત્યુની સંખ્યા પરથી ભૂકંપની તીવ્રતા અને તેના કારણે થયેલા વિનાશને સમજી શકાય છે. ચીનના આ સૌથી વિનાશક ભૂકંપને જિયાજિંગ ભૂકંપ પણ કહેવામાં આવે છે. આ મિંગ રાજવંશના જિયાજિંગ સમ્રાટના શાસન દરમિયાન થયું હતું, મીડિયા અહેવાલો દાવો કરે છે કે, ભૂકંપને કારણે જમીનમાં પડેલી તિરાડોમાંથી પાણી બહાર આવ્યું હતું. 15 જાન્યુઆરી, 1934ના રોજ, ભારતના નેપાળ અને બિહારમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી. પરિસ્થિતિ કેવી હશે તે તેની તીવ્રતા પરથી સમજી શકાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે નેપાળમાં 8500 લોકોના મોત થયા હતા, જ્યારે ભારતના બિહારમાં 7,253 લોકોના મોત થયા હતા. સૌથી વધુ નુકસાન પટના, મુઝફ્ફરપુર અને દરભંગામાં થયું હતું. 1995માં જાપાનના કોબેમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં 6,434 લોકોના મોત થયા હતા. હજારો મકાનો અને ઈમારતો નાશ પામી હતી. ભૂકંપને કારણે આટલું જ નુકસાન નહોતુ થયું, આ ભૂકંપના કારણે જાપાનની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતા સાથેના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું. આવું શા માટે થયું તેનો જવાબ મેળવવા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ઇમારતોની સલામતી અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તપાસના તારણોનાં આધારે જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું હતું.