ગુજરાત ભાજપને ગણતરીના દિવસોમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે. હવે 11માં પ્રદેશ પ્રમુખ જાન્યુઆરી 2025માં મળવાના છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે કોની વરણી થશે તેને લઈને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય શકે છે.
ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં, બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખની બન્નેની જવાબદારી પાટીલથી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટાચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા હતા.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાંથી મળી શકે છે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ
ભુતકાળમાં એવુ બન્યું છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રો અનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઇ ઓબીસી નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે આ નામ ચર્ચામાં
અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીવત છે. આ જોતાં ભાજપ પાસે ઓબીસી નેતા જ એકમાત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, અમિત ઠાકર અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં જોઇએ તો રજની પટેલ, શંકર ચૌધરી, જગદીશ પંચાલના નામ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની રેસમાં છે.
પ્રદીપસિંહ વાઘેલાની સંગઠનમાં થઇ શકે છે વાપસી
પ્રદીપસિંહ વાઘેલાની સંગઠનમાં વાપસી થઇ શકે છે. તાજેતરમાં ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ સમ્મેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ હાજરી આપી હતી. જે બાદ અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે.
ગુજરાત ભાજપને પહેલા પ્રદેશ પ્રમુખ જ્યાંથી મળેલા એ વિસ્તારમાંથી હોઈ શકે છે નવા અધ્યક્ષ!
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ટર્મ લોકસભા ચૂંટણી 2024 બાદ પૂર્ણ થઇ ગઇ છે. સી.આર.પાટીલને કેન્દ્રીય જળમંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાત ભાજપમાં અત્યાર સુધી મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી જ પ્રદેશ પ્રમુખ મળ્યા છે. હવે આ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
ગુજરાત ભાજપને સૌ પ્રથમ પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી એ.કે.પટેલ મળ્યા હતા. જોકે, ત્યારબાદ અત્યાર સુધી એક પણ નેતા ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા નથી.
ઉત્તર ગુજરાતમાં ભાજપનો દબદબો વધારવા માટે હવે કોઇ નેતાને મોટી જવાબદારી સોપવામાં આવી શકે છે. ભાજપે લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાંથી એકમાત્ર બનાસકાંઠા બેઠક ગુમાવી છે. સુત્રો અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાંથી કોઇ નેતાને ભાજપ મોટી જવાબદારી સોપી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા એકમાત્ર એવો જિલ્લો છે જેની તમામ વિધાનસભા બેઠક હાલ ભાજપ પાસે છે.
બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણી 2022માં 4 બેઠક ભાજપે ગુમાવી હતી
બનાસકાંઠામાં વિધાનસભાની 9 બેઠકમાંથી ભાજપે 4 બેઠક જ જીતી હતી જ્યારે કોંગ્રેસ પણ 4 બેઠક જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે ધાનેરા બેઠક પર ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડનારા ઉમેદવારે ચૂંટણી જીતી હતી.
સી.આર પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવાની વાત
થોડા સમય પહેલા ભાજપની સારંગપુર ખાતે કારોબારીની બે દિવસીય બેઠક મળી હતી. આ બેઠકમાં સી.આર.પાટિલે પણ સંગઠન અને સરકારમાં એક પદ એક હોદ્દાને સમર્થન આપતા પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવાની વાત મોવડી મંડળને કરી હતી. લોકસભા 2024ની ચૂંટણીને કારણે સીઆર પાટિલને વધુ એક વર્ષનું એક્સટેન્શન ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે આપવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી 2024 બાદ સી.આર.પાટિલને કેબિનેટમાં જળ મંત્રી બનાવવામાં આવ્યા છે જેને કારણે તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા માંગે છે.
ભાજપ પાસે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં દિગ્ગજ નેતાઓ
શંકર ચૌધરી, રજની પટેલ, પ્રફુલ પટેલ (દીવ-દમણ અને દાદરા-નગર હવેલી અને લક્ષદ્વિપ), મયંક નાયક (રાજ્યસભા સાંસદ), જગદીશ વિશ્વકર્મા (પંચાલ), અમિત ઠાકર
સરકાર અને સંગઠનનું સંતુલન જાળવી શકે એ જ બનશે પ્રમુખ
ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠનનું સંતુલન જાળવી શકે એવા જ વ્યક્તિને પાર્ટી પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવે છે. જો કે ભારતીય જનતા પાર્ટીની પસંદગીમાં આરએસએસનો પણ મત મહત્વનો હોય છે. નવા પ્રદેશ અઘ્યક્ષની પસંદગી માટે ભાજપ ચાલુ ધારાસભ્યને પણ પસંદ કરી શકે છે કેમે કે ધારાસભ્ય પણ સરકારનો એક હિસ્સો છે જેના કારણે તે સંગઠન અને સરકાર વચ્ચેનું સંતુલન જાળવી શકે છે અને સરકારના તમામ રિપોર્ટ કેન્દ્રીય ભાજપને આપી શકે છે.
સંગઠનમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ
ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક વર્ષની સતત કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા, ટિકિટ આપવી અને પક્ષ કે સરકારની જવાબદારી આપવા જેવા કામોથી ભાજપના પાયાના કાર્યકરોના અંદરખાને રોષ જોવા મળે છે જેનું પરિણામ ગુજરાત ભાજપને લોકસભા 2024ની ચૂંટણીમાં જોવા મળ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપમાં સતત કોંગ્રેસી નેતાઓની ભરતીના કારણે હવે ભાજપ પણ કોંગ્રેસયુક્ત બની ગયો છે એટલે આવનાર વર્ષોમાં ભાજપ જોડે કોઈ કમિટેડ કાર્યકરો ભાજપ જોડે હશે કે નહિ એ ભાજપે વિચારવું જોઈએ.
ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક જ નેતા બન્યા ભાજપ પ્રદેશ પ્રમુખ
ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક જ નેતા અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ બની શક્યા છે. 1982થી 1985 સુધી એ.કે.પટેલ ત્રણ વર્ષ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રહી ચુક્યા છે. તે બાદ ઉત્તર ગુજરાતના એક પણ નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી.
એ.કે.પટેલની રાજકીય કરિયર
1975થી 1984 સુધી એ.કે.પટેલ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય હતા. વિજાપુર બેઠક પરથી એ.કે.પટેલ સતત બે ટર્મ સુધી ધારાસભ્ય બન્યા હતા.
મહેસાણાથી પાંચ વખત સાંસદ બન્યા
એ.કે.પટેલ મહેસાણાથી પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ ચૂંટાયા હતા. એ.કે. પટેલ 1984માં યોજાયેલી આઠમી લોકસભા, 1989, 1991, 1996 અને 1998માં લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. 2000થી 2006 સુધી એ.કે.પટેલ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. એ.કે. પટેલ 1998માં વાજપેયી સરકારમાં કેમિકલ અને ફર્ટિલાઇઝર કેબિનેટ રાજ્યમંત્રી બન્યા હતા.
અત્યાર સુધીના ભાજપ પ્રદેશ પ્રમુખનો સમયગાળો
એ.કે.પટેલ – 1982થી 1985 – 3 વર્ષ
કાશીરામ રાણા – 1993થી 1996 – 3 વર્ષ
વજુભાઇ વાળા – 1996થી 1998 – 2 વર્ષ
રાજેન્દ્રસિંહ રાણા – 1998થી 2005 – 7 વર્ષ
વજુભાઇ વાળા – મે 2005થી ઓક્ટોબર 2006 – 1 વર્ષ 150 દિવસ
પરશોત્તમ રૂપાલા – ઓક્ટોબર 2006થી ફેબ્રુઆરી 2010 – 3 વર્ષ 98 દિવસ
આર.સી.ફળદુ – ફેબ્રુઆરી 2010થી ફેબ્રુઆરી 2016 – 6 વર્ષ 18 દિવસ
વિજય રૂપાણી – ફેબ્રુઆરી 2016થી જુલાઇ 2020 – 173 દિવસ
જીતુ વાઘાણી – ઓગસ્ટ 2016થી જુલાઇ 2020 – 3 વર્ષ 345 દિવસ
સી.આર.પાટિલ – જુલાઇ 2020થી અત્યાર સુધી