નકદૂ ઉર્ફે નંદલાલ યુપી પોલીસમાં 34 વર્ષથી હોમગાર્ડની નોકરી કરી રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં 34 વર્ષથી હોમગાર્ડ તરીકે કામ કરી રહેલા નંદલાલને પોલીસે એક ફરિયાદના આધારે આઝમગઢમાંથી પકડી લીધા.પોલીસે જણાવ્યું કે નંદલાલનું નામ 1988થી જિલ્લાના રાની કી સરાઈ પોલીસ સ્ટેશનના રેકૉર્ડમાં હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલું હતું.તેમના પર પોતાની ઓળખ છુપાવીને હોમગાર્ડની નોકરી મેળવવાનો આરોપ છે.
વાસ્તવમાં નંદલાલને તેના સગાસંબંધીઓ સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આ મામલો બહાર આવ્યો હતો.નંદલાલનું અગાઉનું નામ નકદૂ હતું. 1988થી જિલ્લાના રાની કી સરાઈ પોલીસ સ્ટેશનમાં તેમનું નામ હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલું હતું.તેઓ એક નવા નામથી જેલની બહાર જીવન ગાળતા હતા એટલું જ નહીં, તેઓ હોમગાર્ડની નોકરી મેળવવામાં પણ સફળ રહ્યા હતા.
આઝમગઢના પોલીસ અધીક્ષક હેમરાજ મીણાએ જણાવ્યું કે નંદલાલ ઉર્ફે નકદૂ મૂળ રાની કી સરાઈ થાણાના રહેવાસી છે. 1990થી તેઓ મેહનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
પોલીસને માહિતી મળી હતી કે 1984થી 1989 દરમિયાન તેની સામે કેટલાય કેસ નોંધાયેલા હતા.
જોકે, આ કેસમાં પોલીસ સામે સવાલો ઊઠી રહ્યા છે કારણ કે મેહનગર પોલીસ સ્ટેશન અને રાની કે સરાઈ પોલીસ સ્ટેશન વચ્ચે માત્ર 15 કિલોમીટરનું અંતર છે.
પોલીસના જણાવ્યા મુજબ નંદલાલ ઉર્ફે નકદૂ સામે પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી નંદલાલની ઓળખ છતી થવાની અને તેની ધરપકડની કહાણી આટલા વર્ષો સુધી ઓળખ છુપાવીને જીવન જીવવા જેટલી જ રસપ્રદ છે.
34 વર્ષ સુધી કોઈને ખબર ન પડી કે નંદલાલ જ હિસ્ટ્રીશીટર નકદૂ છે. પરંતુ થોડા સમય અગાઉ મારામારીની એક ઘટના બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
હકીકતમાં, આરોપીના ભત્રીજાએ તત્કાલીન ડીઆઈજી વૈભવ કૃષ્ણને અરજી આપીને આરોપ લગાવ્યો હતો કે ‘નંદલાલ જ હિસ્ટ્રીશીટર નકદૂ છે.’
ડીઆઈજીના આદેશ પર તપાસ કરવામાં આવી. તેમાં પોલીસને આરોપો સાચા હોવાનું જણાયું હતું. ત્યાર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના કહેવા મુજબ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ તેનું નામ બદલી નાખ્યું હતું, ત્યાર પછી તે દસ્તાવેજોમાં પણ પોતાનું નામ બદલવામાં સફળ રહ્યા હતા. તેઓ વર્ષ 1990માં હોમગાર્ડ તરીકે ભરતી થઈ ગયા અને ત્યારથી તેઓ સતત હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યા હતા.
આરોપી નંદલાલ ઉર્ફે નકદૂએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. પોલીસ અધીક્ષક હેમરાજ મીણાના જણાવ્યા અનુસાર આરોપીઓને નકલી દસ્તાવેજોના આધારે જ નિમણૂક મળી હતી.પોલીસે જણાવ્યું છે કે આરોપી જેલમાં છે અને બાકીની તપાસ ચાલી રહી છે.
પોલીસ એ બાબતે પણ તપાસ કરી રહી છે કે તે આટલા લાંબા સમયથી ફરજ પર હતા ત્યારે ક્યાં પોસ્ટિંગ થયું હતું અને કેવી રીતે તેની ઓળખ છુપાવવામાં સફળ રહ્યો હતો.
પોલીસ અધીક્ષકના જણાવ્યા અનુસાર, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ વિભાગ અથવા હોમગાર્ડ વિભાગની કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો તેના માટે જવાબદાર લોકો સામે પણ તપાસ કરવામાં આવશે.
હેમરાજ મીણાએ જણાવ્યું કે “તપાસ દરમિયાન જે પણ હકીકતો સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, હાલમાં તેને (આરોપીને) સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હોમગાર્ડ વિભાગને તેની બરતરફી માટે જાણ કરવામાં આવી છે.”
વાસ્તવમાં ઑક્ટોબર મહિનામાં ગામમાં જ નકદૂ ઉર્ફે નંદલાલના સંબંધીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
નકદૂના ભત્રીજાએ નંદલાલ વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ અન્ય સંબંધીઓએ પણ ફરિયાદ કરી હતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે નકદૂ નામની વ્યક્તિ 34 વર્ષથી હોમગાર્ડ તરીકે પોતાનું નામ બદલીને પોલીસને ગેરમાર્ગે દોરે છે.
આરોપી વિરુદ્ધ 1984માં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અન્ય ઘણા ગુનાઓમાં તેનું નામ આવ્યા બાદ તેની સામે 1988માં ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આઝમગઢના રાની કી સરાઈ પોલીસ સ્ટેશનમાં 1988માં આરોપીની હિસ્ટ્રીશીટ પણ ખોલવામાં આવી હતી. તેનો નંબર 52 એ છે અને 1988થી તેની ચકાસણી પણ કરવામાં આવી છે.
આ વ્યક્તિ વિરુદ્ધ 2024માં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 319 (2) અને ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 318 (4) હેઠળ ઓળખ છુપાવવા અને છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધીક્ષક હેમરાજ મીણાના જણાવ્યા અનુસાર આરોપીએ 1984માં અંગત ઝઘડાના કારણે ગોળી મારીને એક વ્યક્તિની હત્યા કરી હતી.
આ ગુના બાદ લૂંટ સહિત અન્ય અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં આરોપીનું નામ બહાર આવ્યું હતું.
1988-89માં આરોપી પોલીસના રડારમાંથી ગાયબ થઈ ગયો અને બાદમાં બનાવટી દસ્તાવેજોના આધારે તેને હોમગાર્ડની નોકરી મળી હતી.
રેકૉર્ડ પ્રમાણે ચોથા ધોરણ સુધી ભણેલા આરોપીએ નોકરી માટે આઠમા ધોરણની માર્કશીટ જમા કરાવી છે, જેમાં પોતાનું નામ લોકાઈ યાદવના પુત્ર નંદલાલ તરીકે નોંધાવ્યું છે.
પોલીસ હવે એવા અધિકારીઓની પણ તપાસ કરી રહી છે જેમણે નંદલાલને કૅરેક્ટર સર્ટિફિકેટ આપવામાં મદદ કરી હતી અથવા તો તેની યોગ્ય તપાસ કરી ન હતી.
આરોપી હવે 57 વર્ષના છે અને ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે, ત્યારે જ તેનો પર્દાફાશ થયો છે.
વર્ષ 2021માં રાજ્યભરમાં 29 પોલીસકર્મીઓ સામે ખંડણી વસૂલવી, ખોટા કેસ કરવાથી લઈને હત્યા સુધીના કેસ નોંધાયા હતા.
વર્ષ 2024માં એસઓ સહિત 18 પોલીસકર્મીઓને સરકારે ખંડણી વસૂલવાના આરોપોમાં સસ્પેન્ડ કર્યા હતા. આ તમામ બલિયામાં પોસ્ટિંગ પર હતા.
જોકે વર્ષ 2020માં કાનપુરના બિકારુમાં ગૅગસ્ટર વિકાસ દુબે સાથેના ઍન્કાઉન્ટરમાં ડેપ્યુટી એસપી સહિત આઠ પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો, આ કેસમાં ઘણા પોલીસકર્મીઓ સામે બેદરકારી દાખવવાનો આરોપ પણ લાગ્યો હતો.
કેટલાક પોલીસ કર્મચારીઓ સામે ગૅંગસ્ટર વિકાસ દુબેને મદદ કરવાના આરોપો લાગ્યા હતા જેની તપાસ કરવામાં આવી હતી. તે વખતે કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશમાં 2017થી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર છે.પોલીસના જણાવ્યા અનુસાર યુપીમાં માર્ચ 2017થી સપ્ટેમ્બર 2024 સુધીમાં લગભગ 12,964 પોલીસ ઍન્કાઉન્ટર થયા છે જેમાં 207 લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન 27,117 ગુનેગારો ઝડપાયા છે અને 6 હજાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ જ સમયગાળા દરમિયાન 1601 પોલીસકર્મીઓને ઈજા થઈ છે અને 17 મૃત્યુ પામ્યા છે. તેમાં બિકારુની ઘટનામાં માર્યા ગયેલા આઠ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
એસટીએફના એડીજી અમિતાભ યશના જણાવ્યા પ્રમાણે છેલ્લાં સાડાં સાત વર્ષમાં એસટીએફે સાત હજાર ગુનેગારોની ધરપકડ કરી છે, જેમાંથી 49 લોકો ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.આ ગુનેગારોના માથે 10 હજારથી 5 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.