મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. મહા કુંભ મેળામાં સાધુ સંતો સહિત દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. મહા કુંભ મેળામાં આવનાર સાધુ સંતોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમણે કરોડો રૂપિયાની નોકરી છોડી આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે.
12 વર્ષ બાદ પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં આવનાર એક સાધ્વી નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કુંભની સૌથી સુંદર સાધ્વી – કેપ્શન સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
જો કે, વીડિયોને લઇને જે દાવા કરવામાં આવી રહ્યા છે તે ખોટા છે. ચાલો તમને જણાવીએ કે વીડિયોમાં દેખાતી મહિલા કોણ છે, તેનું નામ શું છે અને શું કરે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળતી મહિલા હર્ષા રિચારિયા છે, જે એન્કર, મોડલ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. હર્ષા રિચારિયાનો એક યુટ્યુબર દ્વારા ઇન્ટરવ્યુ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આધ્યાત્મિકતા પસંદ કરવાના તેના નિર્ણયને બિરદાવ્યો હતો અને તેને મહા કુંભ 2025 ની ‘સૌથી સુંદર સાધ્વી’ ગણાવી હતી.
વાયરલ વીડિયોમાં હર્ષાએ દાવો કર્યો હતો કે, તે છેલ્લા બે વર્ષથી સાધ્વી તરીકે રહે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે વેસ્ટર્ન કપડામાં તેના ફોટા અને તેની પ્રાઇવેટ હોલિડેની તસવીરો શેર કરી હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો.
વાયરલ વીડિયોમાં હર્ષા રિચારિયાને એવું કહેતા સાંભળી શકાય છે કે તે શાંતિ અને સુકુન માટે સાધ્વી તરીકે રહેવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે રથ પર બેઠી છે, જ્યારે એક યુટ્યુબરે તેને તેની સુંદરતા અને આધ્યાત્મિકતાના માર્ગને અનુસરવાનું કારણ વિશે પ્રશ્નો પૂછ્યા હતા.
રિપોર્ટરે પૂછ્યું, ‘તમે ખૂબ જ સુંદર છો, ક્યારેય સાધ્વી જીવન છોડવાનું મન થયું છે? તેના જવાબમાં હર્ષા રિચારિયાએ કહ્યું, ‘મારે જે કરવાનું હતું તે છોડીને મેં આ વેશ ધારણ કર્યો છે.’ તેણે એમ પણ કહ્યું હતું કે તે છેલ્લા બે વર્ષથી સાધ્વી તરીકે રહે છે અને આધ્યાત્મિકતામાં શાંતિ છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે, જ્યાં ઘણા લોકોએ તેમને મહાકુંભ 2025 માં સૌથી સુંદર સાધ્વી પણ ગણાવી છે. વીડિયોમાં તેણે પોતાના ગુરુનો પણ ઉલ્લેખ કર્યો છે, જેની સાથે તે સંપર્કમાં છે. તેણે એમ પણ કહ્યું છે કે તે ઉત્તરાખંડથી આવી છે.
હર્ષા રિચારિયાના ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે વેસ્ટર્ન આઉટફિટમાં તેના જૂના ફોટોઝ શેર કર્યા હતા. ઘણા લોકોએ તેમને ‘બનાવટી’ સાધ્વી ગણાવી હતી અને મહા કુંભમાં ભાગ લેવા માટે તેણે કરેલા ભારે મેકઅપ પર પ્રકાશ પાડ્યો હતો.
એક યુઝરે પોતાનો વીડિયો શેર કરતાં કમેન્ટ કરી હતી કે, ‘જો તે 30 વર્ષની ઉંમરે સંન્યાસી બની ગઇ છે, તો કુંભમાં આટલો બધો ઢોંગ અને આટલો મેકઅપ કરવાની શું જરૂર છે.’ શું એ ઇન્દ્રના દરબારમાં જઈ રહી છે?’
અન્ય એક યુઝરે એક પોસ્ટમાં લખ્યું, ‘મને આશા છે કે મીડિયા સમજે કે ભગવા વસ્ત્રો પહેરનારા તમામ લોકો સાધ્વી નથી અને #મહાકુંભ માં ઇન્ટરવ્યુ લેવાનું બંધ કરી દેશે. આ મહિલા હર્ષા રિચારિયા પ્રોફેશનલ મોડલ અને એન્કર છે, સાધ્વીઓ નહીં.
વીડિયોને કારણે શરૂ થયા વિવાદ પર હર્ષા રિચારિયા તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. એક રિપોર્ટ અનુસાર હર્ષાએ કહ્યું કે, તે હજુ સુધી સાધ્વી બની નથી અને ન તો તેણે દીક્ષા લીધી છે. માત્ર લોકોએ તેમના વેશભૂષા જોઇને આ નામ આપ્યું હતું. હર્ષા એ કહ્યું, ‘હું સાધ્વી બનવા તરફ આગળ વધી રહી છું, બની નથી.’