પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવતા રૂપાલના ધનજી ઓડનો દાવો છે કે પોતાની ઉપર માં જોગણીની કૃપા છે. આ ઢબુડી માતાના દરબારમાં લાખો લોકોની ભીડ આવે છે. જેમાં ધારાસભ્યોથી માંડી ગુજરાત પોલીસના કેટલાક પોલીસકર્મીઓ તથા વિદેશના પણ કેટલાક લોકોનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ કે જે અમેરિકાથી આવ્યા હતા તેમના કેટલાક સ્વજન સાથે તેમણે પોતાની તકલીફ માતા સામે મુકી અને તે સાથે માતા માટે તેઓ કેટલીક ભેટ પણ લાવ્યા હતા જેમાં બુગાટી કંપનીની લક્ઝૂરિયસ કારની રિમોન્ટ વાળી રમકડાની ગાડી હતી. આ વખતે અમેરિકાથી આવેલા વ્યક્તિએ ધનજી ઓડને ઓફર કરી કે તમને લેવા આવ્યો છું, તમે અમેરિકા આવો અને હાલ મેં આ મોડલ તમારા હાથમાં મુક્યું છે. ત્યાં આવશો તો આપણે આ ગાડીમાં ફરીશું. ઉલ્લેખનીય છે કે બુગાટીની આ કાર પોતાની સૌથી ટોપ સ્પીડ અને અત્યંત ધનીક લોકો પાસે હોય તેવું સ્ટેટસ ધરાવતી કાર છે. આપણા દેશના રાજનેતાઓ અવારનવાર આવા કેટલાક ભૂવા, ધૂણતા માતાજી, ઢોંગી કે બાબાઓના ચક્કરમાં આવી ગયા હોય તેવા ઘણા કિસ્સાઓ અગાઉ બની ચુકેલા છે. રાજનેતાઓ ખાસ કરીને આવી તંત્રમંત્ર પ્રકારની બાબતોમાં ઘણો રસ રાખતા હોય તેવું ઘણીવાર જોવા મળ્યું છે. સામાન્ય વ્યક્તિ આવે તો સમજ્યા પરંતુ તે લોકોનું નેતૃત્વ કરે છે તે પણ જો પગે પડી જતાં હોય તો તેઓ લોકોને કયા માર્ગે લઈ જશે તે કહેવું મુશ્કેલ છે. ઢબુડી માતાનો આશિર્વાદ લેવા આવ્યો છું તેમ કહેનાર પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને પણ પરિવાર સાથે આવ્યા હતા. તો બીજી તરફ મહેસાણાના પણ રાજનેતા ખોડાભાઈ પટેલ પણ અહીં હાથ જોડીને ઊભા રહેલા જોવા મળ્યા હતા.
કેટલાક તો એવા ભક્તો પણ છે કે તેમને ગમે તે રીતે સત્ય સામે આવે તો પણ આંખના પાટા ખોલવા તૈયાર નથી તો નથી જ. જોકે તે તેમની અંગત બાબત છે તેમને શું કરવું શું ન કરવું તેનો નિર્ણય પોતે જ કરવો પડશે. વાત અહીં ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓની છે તેઓ પણ અહીં પોતાના દુઃખડા લઈને આવે છે. જોકે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હી સહિતના અન્ય રાજ્યોના કેટલાક પોલીસ કર્મીઓ પણ અહીં જોવા મળ્યા છે. પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખવતા ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે, જો કે ઢબુડી માતાનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતા નથી આમ છતાં ત્યાં આવનાર લાખો લોકોની રહેવા-જમવાની વ્યવસ્થાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે. વ્યવસ્થા સંભાળનાર પણ ઢબુડી માતાના નજીકના છે. ઉલ્લેખનીય છે કે રુપાલમાં તપાસ કરવામાં આવી તો ખબર પડી કે લોકોએ ધનજી ઓડને ગામમાંથી જ હાંકી કાઢ્યા અને આ ધંધો ક્યાંક બીજે જઈ કરવાનું કહી દીધું હતું. ઢબુડી માતા બની ધૂંણતા ઘનજી ઓડ ત્યારે ત્યાં આવેલા લોકોના પ્રશ્નનો ઉત્તર આપે છે ઢબુડી માતાનો ભકતોનો દાવો છે કે કેન્સર જેવી ગંભીર બીમારી પણ દવા વગર મટાડી આપે છે. ભકતોનો દાવો છે કે માતા કોઈની પાસ પૈસાની માગણી કરતા નથી પણ ત્યાં આાવના લોકો માતા સામે સ્વેચ્છાએ પૈસા મુકે છે. તે સાંજ પડતા લાખો રૂપિયા થાય છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયળ, ચુંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઉભા કરે છે. જેમાંથી પણ લાખોની કમાણી રોજ થાય છે. આ મામલે હવે વિવિધ સંસ્થાઓ અંધ શ્ર્ધ્ધા સામે અવાજ ઉપાડતા ઢબુડી માતા પોતાના કાર્યક્રમો પડતા મુકી રહી છે. અહીં સુધી કે એક પત્રકારે પોતાનું ભાઈનું કેન્સર માતાને કારણે મટયુ હોવાનું જણાવ્યું હતું. જ્યારે એક કલેકટરે પોતાના પરિવારની પરેશાની માતાએ દુર કરી હોવાની વાત કરી હતી, આમ માતા પોતાનું માર્કેટીંગ પણ સારી રીતે કરે છે.