ગાંધીનગર
ગુજરાતમાં ડ્રગ્સનું (drugs) દુષણ બેફામ રીતે વધી ગયું છે. રાજ્યમાં રોજે રોજ નાના મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાતું હોય છે. પરંતુ હવે તો ગુજરાતમાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે ગુજરાતમાં જ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે. રાજ્યમાંથી ફરી એક વાર ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS એ ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે અને ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ પણ કરી છે. મળતી માહિતી મુજબ ખંભાતના સોખડાની ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમીને આધારે ATS એ 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતુ અને આ કંપનીમાંથી બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ ફેકટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ATS ને આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોરમેટમાં ડ્રગ્સ મળી છે. આમ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત હવે ઉડતા પંજાબને પણ ટક્કર આપે તેવી સ્થિતિ બની ગઈ છે. ગુજરાતમાં ડ્રગ્સનો વ્યાપાર ધમધમી રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વરમાંથી પણ ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી. રાજ્યમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત થાય છે એક બાજુ ડ્રગ્સના દૂષણને ડામવા ગુજરાત સરકાર દહાડ કરે છે. પરંતુ બીજી બાજુ ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે, ત્યારે ડ્રગ્સના દુષણને નાથવાના સરકારના દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે,