નવીદિલ્હી
દુનિયામાં ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓ વધવાને કારણે દુનિયાના જીડીપીમાં 5.7 લાખ કરોડ ડોલર્સનો ઘટાડો થવાની આશંકા છે જેની અસર 2008ની આર્થિક કટોકટી અને કોરોના મહામારી કરતાં પણ વિનાશક બની રહેશે તેમ એક અભ્યાસમાં જણાવાયું હતું. આ વિભાજનકારી નીતિઓને કારણે ભારત તથા અન્ય ઉભરતાં અર્થતંત્રોને સૌથી મોટો ફટકો પડી શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેની 2025ની વાર્ષિક મિટિંગમાં આ અહેવાલ જારી કર્યો હતો. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેની વાર્ષિક બેઠક 2005માં રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે, દુનિયામાં પ્રતિબંધો, ઔદ્યોગિક નીતિઓ અને અન્ય આર્થિક બાબતો મારફત ભૌગોલિક-રાજકીય હેતુઓ સાધવા માટે વૈશ્વિક નાણાકીય અને ટ્રેડિંગ સિસ્ટમનો ઉપયોગ વધ્યો છે.
ધ નેવિગેટિંગ ગ્લોબલ ફાયનાન્સિયલ સિસ્ટમ ફ્રેગમેન્ટેશન રિપોર્ટમાં જણાવેલાં અંદાજ અનુસાર સરકારી વિભાજનકારી નીતિઓને કારણે દુનિયાના અર્થતંત્રોને 0.6 લાખ કરોડ ડોલરથી 5.7 લાખ કરોડ ડોલર્સ સુધીનો ફટકો પડી શકે છે. દેશો વચ્ચે વેપાર અને નાણાકીય વહેવાર ઘટવાને કારણે દુનિયાની જીડીપી પાંચ ટકા જેટલી સંકોચાઇ શકે છે. ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓ વધી જાય તો દુનિયામાં ફુગાવો પણ પાંચ ટકા કરતાં વધી શકે છે. દુનિયામાં સમાંતર નાણાકીય માળખું બનાવવા અંગે ચર્ચાઓ, સબસિડી અને ઔદ્યોગિક નીતિઓ સાથે 2017થી એક દેશ દ્વારા બીજા દેશ પર આર્થિક નિયંત્રણો મુકવાના પ્રમાણમાં 370 ટકાનો વધારો થયો છે. પોતાના ભૌગોલિક-આર્થિક હેતુઓ પાર પાડવા માટે નાણાંકીય સિસ્ટમનો ઉપયોગ દેશો દ્વારા વધારે પ્રમાણમાં થવા માંડયો છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જણાવ્યું હતું કે દુનિયાના ટોચના નેતાઓ જે નીતિઓ અપનાવે તેની અસર ફુગાવાના દર અને જીડીપીની વૃદ્ધિ પર પડે છે. ભૂ-આર્થિક નીતિઓનું ચલણ વધે તો ભારત, બ્રાઝિલ અને તુર્કીની જીડીપી વૃદ્ધિ પર અસર પડશે. એ જ રીતે લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશો પર પણ તેનો સૌથી વધુ બોજ આવી શકે છે. ભૌગોલિક અને રાજકીય વિભાજનકારી નીતિઓના આત્યંતિક કિસ્સામાં પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે સંપૂર્ણપણે આર્થિક અલગતાવાદ જોવા મળી શકે છે, જેને પગલે બીન જોડાણવાદી દેશો માટે માત્ર તેમના આર્થિક ભાગીદારો સાથે જ વેપાર કરવાની ફરજ પડી શકે છે. આ દેશોમાં જીડીપી વૃદ્ધિમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી શકે છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણો હોઈ શકે છે.