વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર નિર્માણ માટેના દ્રઢ મનોબળના કારણે આજે ભારતની તસવીર અને તાસીર બદલાઇ છે
બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકતંત્ર અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે
મહેસાણા
આજે ભારતનાં ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રમત ગમત સંકુલ પાંચોટ, મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે રમત ગમત સંકુલ પાંચોટ ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન અને પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલ પણ સાથે જોડાયા હતા.
આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે સૌને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં લડાયેલી આઝાદીની લડતમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. આઝાદી બાદ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે જ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા એવા ડૉ. બાબા સાહેબ આંબેડકરે ભૂતકાળના ભવ્ય ઐતિહાસિક વારસો, આઝાદી બાદ દેશના સર્વાંગી વિકાસ માટે તે સમયે દેશની જરૂરિયાત અને ભવિષ્યના ભવ્ય ભારતની કલ્પના અંગે તમામ વિચાર કરીને આદર્શ વૈચારિક ચેતનાને બંધારણનું સ્વરૂપ આપ્યું હતું. તે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકતંત્ર અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય તથા વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા અને સમાનતા પણ બંધારણે જ આપી છે.ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષે પોતાનું જીવન દેશની આઝાદી માટે ખર્ચી નાખ્યું હતું. લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, શહીદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ જેવા શહીદોએ પોતાના જીવન આઝાદી માટે હોમી દીધા હતા ત્યારે આપણને આજે આ આઝાદીના મીઠા ફળો ખાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વહીવટી કુશળતા, ત્વરિત નિર્ણયશક્તિ, પરિણામલક્ષી કામગીરી, સર્વાંગી વિકાસ માટે સંવેદનશીલતા અને રાષ્ટ્ર નિર્માણ માટે દ્રઢ મનોબળના કારણે આજે ભારતની તસવીર અને તાસીર બદલાઇ છે. આ પ્રસંગે જિલ્લાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાઓની ઝાંખી કરાવતા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેકટરશ્રીને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાનાં વિવિધ વિભાગનાં અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, અગ્રણી સર્વે શ્રી ગીરીશભાઈ રાજગોર, ભગાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે. કે. જેગોડા અને જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.