ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૧૬મીથી શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન શુક્રવારે વધુ ૧૪૬ જેટલા ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા. બીજીતરફ અગાઉ હટાવવામાં આવેલા લારી-ગલ્લા ફરી ગોઠવાઈ રહ્યા છે. મહાત્મા મંદિરની પાછળ સ્વર્ણિમ પાર્કની બાજુમાં ઉભું થઇ ગયેલું ખાણીપીણી બજાર પણ રાબેતામુજબ ધમધમી રહ્યું છે. પરિણામે મહાનગરપાલિકાની દબાણ ઝુંબેશ ઝુંપડાઓ પુરતી સિમિત રહી ગઈ છે.
શહેરમાં સરકારી જમીન પર ઉભા થઇ ગયેલા દબાણો દૂર કરી શહેરને દબાણમૂક્ત બનાવવા માટે પ્રથમવાર મહાનગરપાલિકાની આગેવાનીમાં વિવિધ વિભાગોની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસથી આ ઝુંબેશ ચાલી રહી છે જેમાં દરરોજ ૧૦૦થી વધુ દબાણો હટાવવામાં આવ્યા છે. શરૂઆતના દિવસૌમાં લારી-ગલ્લાના દબાણો પણ હટાવવામાં આવી રહ્યા હતા પરંતુ આ દબાણો ફરી ગોઠવાઈ ગયા છે. મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે સેક્ટર-૧માં ૯, સૈક્ટર-૩માં ૧૪, સેક્ટર-૫માં ૧૦૪ અને સેક્ટર-૭માં ૧૯ ઝુંપડા હટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે ગાંધીનગરમાં આવેલા ધાર્મિક દબાણો મામલે કાર્યવાહી કરવાની થાય છે. આ મુદ્દે મહાનગરપાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરમાં આવેલા ધાર્મિક દબાણોની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી સમયમાં આ દબાણો મામલે એક્શન પ્લાન તૈયાર કરાશે.
દબાણો હટાવવામાં પણ લાલીયાવાડી, સરકાર દબાણો હટાવવા મક્કમ ત્યારે મનપા ઢીલીઢશ સાથે નગરસેવકો દબાણ બચાવવા દોડી જાય છે, ઝુપડા હટાવ્યા અને આટલા વર્ષોમાં દબાણ ઘટયા કે વધ્યા, પાટનગર યોજના પાસે ચમનપુરા નવું બની ગયું,