કોંગ્રેસ પક્ષ જે ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કર્યા છતા પગલા ન ભરાતા રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરશે
અમદાવાદ
રાજ્યમાં ૬૮ નગરપાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો અને જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રોની ચકાસણી સમયે ભાજપાએ વિવિધ સ્થળો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને પોલીસતંત્ર-વહીવટંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારી પત્રો યેન-કેન પ્રકારે રદ કરવાના માનસિકતા હોવાનો આરોપ મુક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેનશ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુક્ત અને પારદર્શક રીતે ચૂંટણી યોજવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ગુજરાતમાં કોડીનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચીને ત્યાંનો પૂર્વ સાંસદે સમગ્ર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. માણસામાં ભાજપાના સ્થાનિક ધારાસભ્ય અને હિત ધરાવતા તત્વો સતત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા હથકંડા અપનાવી રહ્યા હતા જે ઘણી જ ગંભીર બાબત છે. હળવદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મજબૂતીથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારી પત્રો ભરી દીધા બાદ રવિવાર રાત્રિથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવતા તમામ ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચીને રક્ષણ માંગ્યું હતું યોગ્ય જવાબ ન મળતા પ્રાંત અધિકારીશ્રી સમક્ષ સમગ્ર બાબત રજુ કરવામાં આવી છે.
બિલિમોરા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ટેકેદારો સાથે યાદી જાહેર કરીને ચૂંટણી અધિકારીએ ભાજપને મદદ થાય, અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને નુકસાન થાય તે રીતે ગેરબંધારણીય વર્તુણક કરી છે. મહિસાગરના જિલ્લાના જોધપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપાના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસ પક્ષે વિસ્તૃત રજુઆત કર્યા છતાં ચૂંટણી અધિકારીએ એકતરફ નિર્ણય કરીને ફોર્મ મંજૂર કર્યું છે. સમગ્ર બાબતે કોંગ્રેસ પક્ષ જે ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કર્યા છતા પગલા ન ભરાતા રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરશે.