ભાજપાના વરિષ્ઠ નેતા-પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના “ભાજપાના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે તેવું નિવેદન
અમદાવાદ
ભાજપાના વરિષ્ઠ નેતા-પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના “ભાજપાના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે.” આ વાસ્તવિક જાહેર વાતથી ભષ્ટ્રાચારી ભાજપાના ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરા વધુ એક વાર ખુલ્લી પડી ગયો છે તેવા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ રહી છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈપણ સરકારી પ્રમાણપત્રો, ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે. ગુજરાતમાં કાંડ અને કૌભાંડ માં ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પરવાંનો મળે છે. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ઈન્કમટેક્ષ, ઈ.ડી., પોલીસ સહિતના વિવિધ અધિકારીઓતો જોયા નકલી ચલણી નોટો, નકલી ન્યાયાધીશ, નકલી સરકારી કચેરીઓ દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરવાના ના કૌભાંડીઓ જે ભાજપ સાથે સીધી સાંઠ ગાંઠ ધરાવતા હોય છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે તે હકીકતમાં ભાજપાની ભ્રષ્ટાચારની કથા છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે ભાજપનો ખેસ પહેરો લુંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો તેવી નિતિના લીધે સમગ્ર ગુજરાતમાં વારંવાર કૌભાંડો થઈ રહ્યાં છે. કાંડ અને કૌભાંડના કારણે કરોડો રૂપિયા કમલમમાં જમા થાય છે આ લૂંટના કોથળા ભરીને આવેલ રૂપિયા થી ભાજપ પોતાના તમામ મનસુબા સત્તા મેળવવા અને ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. નીતિન પટેલ નું નિવેદન ભાજપાના ચાલ ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચુક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે. અને શું ધંધા કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગાંધી સરદારના ગુજરાતની નામોશી થાય છે, ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે. ભૂપેન્દ્રસિંહ બીજેડનું કૌભાંડ હોય કે ખ્યાતી કાંડ હોય કે અબજો રૂપિયાની સરકારી જમીન ગાયબ કરવાની હોય કે પછી ગૌચરની જમીન કે પછી રેતી-માટીસહિત કિમંતી ખનીજ ચોરી હોય તમામ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ, સમગ્ર ગુજરાતે જોયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પૂલો ઉપયોગમાં આવે તે પહેલા ધારાશાયી થાય, પૂલો બનાવનાર ભાજપાના ‘ચંદા દો, ધંધા લો’ ની નિતિનો ભાગ હોય એટલે કોઈ પગલા ભરવામાં આવતા નથી. દારૂની હેરાફેરીમાં ભાજપનો ખેસ પહેરીને ગાડીની આગળ લગાડી પાયલોટીગ કરવાનું હોય, આ પ્રકાર ના અનેક કેસ સામે આવ્યા છે. ડ્રગ્સના આરોપીઓ પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ સાથે નિકટતાના દૃશ્યો સામે આવ્યાં છે. નીતિનભાઈના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માંગે છે ખરી ? સરકાર ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માંગે છે? આનો જવાબ ભાજપાના નેતાઓએ આપવો પડશે, કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓ ની લુંટ નાં લાયસન્સ ના કારણે જે રીતે પરિસ્થિતિ થઈ, તેથી સામાન્ય નાગરિક મધ્યમ વર્ગનો નાગરિક હેરાન-પરેશાન થઈ રહ્યો છે અને પોતાના મળવા પાત્ર હક્ક અધિકારથી વંચિત રહે છે.
ભાજપ સરકાર મગફળીકાંડ, તુવેર ખરીદકાંડ, ડાંગર ખરીદકાંડ, બિયારણ ખરીદીકાંડ, સહિત ખેડૂતોને નુકસાની થાય તેવા કાંડ અને કૌભાંડો થયા. શિક્ષણમાં ભ્રષ્ટાચાર આસમાને, આરોગ્ય વિભાગના ખરીદી કૌભાંડો, સરકારી ભરતીમાં પેપર ફૂટે, કૌભાંડ, લાગવગ એ સામાન્ય બાબત બની ગઈ માછીમાર કૌભાંડ હોય કે ખાતરનું કૌભાંડ કે પછી વિવિધ વિભાગોની ખરીદીના કૌભાંડ, એ ભાજપા શાસકોની ઓળખ બની ગઈ છે. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા કે જિલ્લા-તાલુકા પંચાયત તમામ કક્ષાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચારએ ભાજપાએ શિષ્ટ્રાચાર બનાવી દીધાના સમાચારો દિવસ ઊગેને પ્રસિધ્ધ થઈ રહ્યાં છે. સહકારી ક્ષેત્ર હોય કે સરકારી તમામ જગ્યાએ બહુમતિના જોરે ભાજપાએ મોટાપાયે ભ્રષ્ટાચાર-ગેરરીતિ ગોલમાલથી લૂંટના કેન્દ્રો બનાવી દીધા છે.