અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેઓના અગ્રીમ સહયોગી મસ્કતી કાપડ માર્કેટ મહાજન સાથે કૃષિ અને પર્યાવરણ સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહિત કરતા તેમજ જેની ટેક્સટાઇલ ક્ષેત્રના બધાજ સ્ટેકહોલ્ડર્સ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા તૃતીય “ફાર્મ ટુ ફેશન” એક્સપો કે જે કૃષિ તેમજ ફેશનનો સુંદર સમન્વય પ્રદર્શિત કરશે તેની જાહેરાત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવે છે. તૃતીય “ફાર્મ ટુ ફેશન” ના આયોજન માટે K&D કોમ્યુનિકેશન લિમિટેડ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયેલ છે. આ કાર્યક્રમના આયોજનમાં GCCIના મુખ્ય સહયોગી મસ્કતી કાપડ માર્કેટ મહાજન એસોસિએશન અને અન્ય પ્રતિષ્ઠિત સહયોગી સંસ્થા બનેલ છે તેમજ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પ્રતિબિંબિત કરે છે કે તૃતીય “ફાર્મ ટુ ફેશન” પૂર્વ તમામ આવૃતિઓ કરતાં ખુબ જ પ્રભાવશાળી બની રહેશે. “ફાર્મ ટુ ફેશન” ના આયોજન માટે જોડાયેલી બધી જ સંસ્થાઓનો હેતુ કૃષિ ક્ષેત્રે તેમજ ફેશન ક્ષેત્રે પર્યાવરણ માટે સાનુકૂળ અને સસ્ટેનેબલ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ તેને વૈશ્વિક ગ્રાહક સમક્ષ પ્રસ્તુત કરવાનો છે.
“ફાર્મ ટુ ફેશન” આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્રને વૈશ્વિક નિકાસ માટેનું કેન્દ્ર બનાવવાની વિઝનને પરિપૂર્ણ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પ્રદાન બની રહેશે.
તૃતીય “ફાર્મ ટુ ફેશન” ઇવેન્ટ તારીખ 11 થી 14 મે 2025 દરમિયાન “હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર”, ગાંધીનગર ખાતે આયોજિત થઇ રહેલ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન FABEXA કે જે ફેશન તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ જ ખ્યાતનામ પ્રદર્શન આયોજકો છે તેઓના પ્રદર્શનની સાથે સાથે આયોજિત થઇ રહેલ છે. “ફાર્મ ટુ ફેશન” ના અનુભવી આયોજકોનો સહયોગ બધા પ્રદર્શકો તેમજ પ્રેક્ષકો માટે એક અભૂતપૂર્વ તક બની રહેશે કે જે કૃષિ તેમજ ફેશન ક્ષેત્રે સસ્ટેનિબિલિટી, પર્યાવરણ પ્રાથમિકતા સાથેની ઉત્પાદન પ્રક્રિયાઓ તેમજ ફેશન ક્ષેત્રે સીમાચિહ્ન ડિઝાઇન ની પ્રસ્તુતિ માટે એક અમૂલ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.
GCCI એ તૃતીય “ફાર્મ ટુ ફેશન” એક્સપો માટે ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિસ્તૃત શ્રેણીના તમામ હિસ્સેદારો માટે “સ્ટોલ બુકિંગ” ની પ્રક્રિયા નો પ્રારંભ કરેલ છે. આ બધાજ સ્ટેકહોલ્ડર્સમાં કપાસ, જીનીંગ, સ્પિનિંગ, વિવિગ, ફિનિશ્ડ ફેબ્રિક, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝ, તેમજ ફેશન ડિઝાઇનર્સ, ખેડૂતો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, વ્યાવસાયિક ઉત્પાદકો અને ફેશન ઉદ્યોગકારો જેવા ટેક્સટાઇલ સેકટરના બધા હિસ્સેદારો ની વિશાળ શ્રેણી નો સમાવેશ થાય છે તેમજ તેઓને “ફાર્મ ટુ ફેશન” એક્સપોમાં તેઓના સ્ટોલનું બુકિંગ કરાવવા આમંત્રણ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ ટેક્સટાઇલ ક્ષેત્રના બધા નિષ્ણાતો તેમજ અનેકવિધ સંસ્થાઓને એકમંચ કરવાનો એક અનેરો અવસર
બની રહેશે તેમજ નેટવર્કિંગ, ક્ષેત્રીય માહિતી વિનિમય અને સસ્ટેનેબલ ટેક્સટાઇલ ઉત્પાદન અને ખેતીની અદ્યતન પદ્ધતિઓ બાબતે સહયોગ માટે એક અભૂતપૂર્વ મંચ પૂરો પાડશે.
GCCI તેમજ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા પૂર્વમાં સફળતાપૂર્ણ રીતે આયોજિત થઇ “ફાર્મ ટુ ફેશન” ની બધીજ આવૃત્તિઓએ સમગ્ર ભારત અને વૈશ્વિક સ્તરેથી 10,000 થી વધુ પ્રતિનિધિઓને આકર્ષ્યા હતા, જેમાં 3,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા પર 100 થી પણ વધુ પ્રદર્શકો દ્વારા તેઓની ઉત્કૃષ્ટ ઉત્પાદન શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી હતી. પૂર્વમાં આયોજિત થયેલ આવૃત્તિઓમાં પણ ખેતી વિષયક સસ્ટેનેબલ તેમજ ઈકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અને ટેક્સટાઈલ ઈનોવેશનના ભવિષ્ય જેવા નિર્ણાયક મુદ્દાઓ વિષે વિસ્તૃત ચર્ચા થઇ હતી.