ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાપણ યુક્ત અંગોને પ્લાસ્ટિક સર્જરી દ્વારા રિકંસ્ટ્રક્શન કરી પુનઃ કાર્યરત કરતી રાજકોટ સિવિલ: વર્ષ ૨૦૨૪માં રિકંસ્ટ્રક્શનના ૬૮ જેટલા જટિલ ઓપરેશન સહિત ૬,૭૭૯ દર્દીઓની કરાઈ પ્લાસ્ટિક સર્જરી

Spread the love

૪૦ બેડની અલાયદી ઈન્ડોર સુવિધા, બે મોડ્યુલર ઓપરેશન થીએટર, રાજ્યની પ્રથમ સ્કિન બેંક સહિતની ઉત્તમ વ્યવસ્થા

આત્મનિર્ભર અને સામાજિક ગૌરવ : જડબું, કાન, નાક, ગાલ, હાથ, પગ સહિતના અમૂલ્ય અંગોની સર્જરી, સારવાર બાદ દર્દીઓ બન્યા પુનઃ કાર્યક્ષમ

રાજકોટ

અકસ્માતના ગંભીર બનાવ, દાજી જવાના કિસ્સા, સ્નેક બાઈટ, કે અન્ય ઇજા થકી ઘાયલ દર્દીઓના અંગોને મોટું નુકસાન થતું હોઈ છે. આ સમયે દર્દીને તાત્કાલિક સારવાર ઉપરાંત તેઓની રિકંસ્ટ્રક્શન સહિતની સર્જરી હાથ ધરી તેમને મોટી નુકસાનીથી બચાવી શકાય છે. ઇજા પામેલા અંગોને પુનઃ કાર્યરત કરવા શરીરના અન્ય જગ્યાએથી જરૂરી નસ, ધામની સીરા, સ્કિન અને હાડકાનો ઉપયોગ કરી સર્જરી દ્વારા નુકસાન થયેલ અંગ કાર્યરત કરવાની રિકંસ્ટ્રક્શનની જટિલ પ્રક્રિયા રાજકોટ સિવિલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ કરી રહ્યો છે. આ સર્જરી જો કોઈ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો પુષ્કળ નાણાં ખર્ચવા પડે પરંતુ સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન થકી અનેક દર્દીઓને જાણે નવું જીવન મળ્યું છે.

રાજકોટ માટે ગૌરવ સમાન સિવિલમાં કાર્યરત પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ગંભીર કિસ્સામાં ગત વર્ષે લગભગ ૬૮ જેટલા અબાલ-વૃદ્ધની રિકંસ્ટ્રક્શન સર્જરી કરી તેઓને સામાજિક ગૌરવ અપાવી અને ડિપેન્ડન્સીમાંથી ઉગારવાની ઉમદા સેવા કરવામાં આવી છે. આ સાથે વર્ષ ૨૦૨૪ દરમ્યાન ટ્રોમા, એક્સિડન્ટલ, કેન્સર, ખોડખાપણ દૂર કરવાના ૬,૭૭૯ દર્દીઓની નાની-મોટી સર્જરી હાથ ધરાઈ હતી. જયારે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં ૫૮૬ સર્જરી કરી હોવાનું વિભાગના હેડ અને સિવિલ અધ્યક્ષ ડો. મોનાલી માકડીયા જણાવે છે.

રિકંસ્ટ્રક્શનના કેસ અંગે વિગતે માહિતી આપતા તેઓ જણાવે છે કે, અકસ્માતમાં ઘાયલ દર્દીઓની કેટલાક કિસ્સામાં ધોરી નસ, રક્ત વાહિની કપાઈ જતી હોઈ છે. આવા કિસ્સામાં સર્જરી દ્વારા કપાયેલી નસોને જોડી રક્ત સંચારણ પુનઃ કરવામાં આવે છે, જેથી કરીને દર્દીઓના અંગ કાર્યરત રહે. દાજી જવાના કિસ્સામાં તે જગ્યાએ શરીરના અન્ય જગ્યાએથી અથવા સ્કિન બેન્કમાંથી ત્વચાનો ઉપયોગ કરી તે ભાગને નવી સ્કિન પુરી પાડવામાં આવે છે. જયારે કેટલાક જન્મજાત ખોડખાંપણવાળા બાળકો કે જેઓને કાન ન હોવા, એકથી વધુ આંગળીઓ હોવી, આંગળીઓ જોડાયેલી હોવી કે કલીપ હોઠ જેમાં હોઠ કપાયેલા હોઈ તેવા બાળકોની પ્લાસ્ટિક સર્જરી કરી તેઓના અંગો સંપૂર્ણ કરવામાં આવે છે.

આવા જુદા જુદા કિસ્સામાં ગત વર્ષે કેન્સર પીડિત ૮ લોકોના સર્જરી બાદના મોં, ગળા રિકંસ્ટ્રક્શન પદ્ધતિથી પૂર્વવત કરાયા છે. જન્મજાત ખોડખાપણયુક્ત ૬ બાળકોની સર્જરી કરી બાળકોના કાન, ફાટેલ હોઠને સાજા કરાયા છે. જ્યારે અકસ્માત કે અન્ય ઘટનામાં મોટી ઇજામાં ઘાયલ ૨૫ જેટલા લોકોની નસની સર્જરી કરી તેઓને હાથ પગની ખોડખાપણથી રક્ષિત કરાયા છે. ૧૫ જેટલા કિસ્સામાં કાનનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના અન્ય ભાગમાંથી હાડકું કાઢી તેને કાનની જગ્યાએ જોડી નવો કાન બનાવી આપવામાં આવ્યો છે. તે જ રીતે અકસ્માત કે નોઝ બાઈટના પાંચ કિસ્સામાં નાકને પ્લાસ્ટિક સર્જરી વડે પુનઃ આકાર આપી મૂળ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એક કિસ્સામાં ગંભીર અકસ્માતમાં આંખના ભાગે થયેલી ઇન્જરીને પ્લાસ્ટિક સર્જરી દ્વારા શેપ આપવામાં આવ્યો છે. તો એક દર્દીની હાથની સર્જરી દ્વારા તેઓને કાયમી ખોટ દૂર કરી આપી હોવાનું ડો. મોનાલી માકડીયા જણાવે છે.

સરકારી હોસ્પ્ટિલમાં રાજકોટ સિવિલ ખાતે રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ ૨૦૨૩થી કાર્યરત છે. આજ સુધીમાં મૃતકોના ૪૬ જેટલા સ્કિન ડોનેશન મળેલા છે. આ સ્કિનનો ઉપયોગ ખાસ કરીને દાજી ગયેલા દર્દીઓની સારવાર અને ઘાયલ દર્દીઓને ઇન્ફેક્શનથી બચાવવા પણ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોમાં ખુલ્લા અંગોને સ્કિન વીટી ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. સાથોસાથ પ્રોટીન અને હિમોગ્લોબીન લોસ અટકે છે, જેને પરિણામે તેઓના અમૂલ્ય અંગ બચાવી શકાય છે તેમ ડો. મોનાલીએ જણાવ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ઉત્તમ દેન એવી અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગ કાર્યરત છે. અહીં બે અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થીએટર, સ્કિન બેન્ક, મહિલા અને પુરુષ બે વોર્ડમાં ૪૦ બેડની ઇન્ડોર સારવાર સુવિધા ઉપલબ્ધ છે. અહીં પ્રોફેસર ડો. મોનાલી માકડીયા ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મીનાક્ષી રાવ, રેસિડન્ટ ડો. કેયુર ઉસદડીયા, ડો. જયદીપ કવાથીયા સહીત નર્સિંગ અને સપોર્ટિંગ સ્ટાફ કાર્યરત છે.રાજકોટ સિવિલ ખાતે કાર્યરત પ્લાસ્ટિક સર્જરી વિભાગ ટ્રોમાં, કોસ્મેટીક, માઈક્રોવાસ્ક્યુલર સહિતની સર્જરી માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી દર્દીઓના અંગોને શેપિંગ આપવાની સાથોસાથ તેઓને સામાજિક ગૌરવની સાથે આત્મનિર્ભર બનવવાનું મહત્વનું યોગદાન પૂરો પાડી રહ્યો છે.

સિવિલ ખાતે રિકંસ્ટ્રક્શન થકી કરાતી પ્લાસ્ટિક સર્જરી

• કેન્સર સર્જરીથી કાઢી નંખાયેલા ગાલ, જડબા અને ગળાને પુનઃ શેપિંગ

• અકસ્માતે તૂટી ગયેલી ધમની-શિરાઓને જોડી બ્લડ સર્ક્યુલેશન પૂર્વવત કરવું

• જન્મજાત કાનની ખોડખાપણને દૂર કરી ત્રણ સ્ટેજમાં નવા કાનનું સર્જન

• ઘવાયેલા હાથ-પગને નવી માંસપેશીઓ થકી પૂર્વવત કરવો

રિકંસ્ટ્રક્શન ઓપરેશન પદ્ધતિ

ડો. મોનાલી તેમજ ડો. કેયુર જણાવે છે કે, જે દર્દીની નસ મોટા ભાગે ડેમેજ થઈ હોય તેવા દર્દીઓના પગ કે અન્ય જગ્યાથી વધારાની નસ કાઢી તેઓની માઇક્રોસર્જરી કરી બ્રેક થયેલી નસને જોડવામાં આવે છે. કેન્સરના ઓપરેશન બાદ ચહેરા, ગરદનના ભાગના શેપને પુનઃ પ્રસ્થાપિત કરવા અન્ય જગ્યાએથી માંસપેશી કાઢી તેટલો ભાગ સર્જરી કરી જોડવામાં આવે છે. જન્મજાત બાળકને એક કાન ન હોઈ તેવા કિસ્સામાં અન્ય સોફ્ટ હાડકાનો ઉપયોગ કરી ત્રણ સેશનમાં નવો કાન તે જ જગ્યાએ ઉભો કરવામાં આવે છે. નવું જડબું પડખાના હાડકાંમાંથી રિકંસ્ટ્રકટ કરી તૈયાર કરવામાં આવે છે. હાથની બધી નસો ખુલી ગઈ હોય તો ફ્લેપ સર્જરી થકી નસોને જોડવામાં આવે છે. આમ, રાજકોટ સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા લોકોને નવજીવન પૂરું પાડવામાં આવે છે.

મોડ્યુલર ઓપરેશન થીએટર

પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ડબ્લ્યુ.એચ.ઓ. ની ગાઈડલાઈન મુજબના બે મોડ્યુલર ઓપરેશન થીએટર છે. જેમાં પ્લાસ્ટિક સર્જરી ઓ.ટી. માં આધુનિક માઇક્રોસ્કોપ સહિતનું જયારે અન્ય બર્ન્સ અને સેપ્ટિક સર્જરી નું આધુનિક ઓપરેશન થીએટર છે. ઇન્ફેક્શન રહિત ઓ.ટી. માં સેન્સર ડોર, એલ.ઈ.ડી. ટચ સ્ક્રીન મેનેજમેન્ટ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

સ્કિન બેન્ક

રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ 2023થી કાર્યરત છે. મૃતકોના પરિવારજનો દ્વારા સહમતી સાથે હાથ-પગ સહિતના ભાગોની સ્કિન લેવામાં આવે છે. જેને ખાસ પ્રોસેસ કરી ખાસ લિક્વિડમાં સ્કિન બેંકમાં રાખવામાં આવે છે. આ સ્કિન પાંચ વર્ષના સમયગાળામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે: દિશાબેન ચાવડા

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન વિભાગમાં ટ્રોમા, કોસ્મેટિક અને માઇક્રો વસકુલોર તથા ઓર્ગન રિકન્સ્ટ્રકશનમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. વાત કરીએ ૧૪ વર્ષની ક્રિશાની

મારી દીકરીને જન્મથી જ ડાબી બાજુનો બહારનો કાન જ ઊગ્યો નહોતો, પણ તે નોર્મલ વ્યક્તિની જેમ બધુ જ સાંભળી શકે છે. ઓર્ગન રિકન્સ્ટ્રકશનની જટિલ કામગીરી અંતર્ગત સ્કીન વિભાગમાં તેના ઉપર ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા. પ્રથમવાર તેના શરીરમાંથી પાંસળી કાઢીને તેને કાનનો આકાર આપવામાં આવ્યો. બીજી વાર તેના શરીરમાંથી ચામડી લઈને કાન બનાવવામાં આવ્યો અને ત્રીજી વાર કાનને બહારની સાઇડ ઉપસાવીને બૂટ જોઇન કરવામાં આવી. આ જ સારવાર અમે બહાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો અમારે કેટલો ખર્ચ થાત એનો અંદાજો લગાવવો પણ અમારા માટે મુશ્કેલ છે. મોનાલી મેડમ તથા તેનો સ્ટાફ અહિયાં આવીને સમયસર કન્સલ્ટન્સી, દવા, ભોજન, સારવાર ડ્રેસિંગ સહિતની તમામ જરૂરીયાતો યોગ્ય રીતે પૂરી પાડતા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમ વર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે, તેમ દર્દી ક્રિશા ચાવડાના મમ્મી દિશાબેન ચાવડાએ જણાવ્યું હતું.

મારા દીકરા નો હાથ સાજો કરી દઈ રાજકોટ સિવિલ હોસ્પિટલે અમારી તમામ ચિંતા દૂર કરી દીધી :સોનલબેન સોલંકી

આજથી ૩ વર્ષ પહેલા આગમાં દાઝી જવાના કારણે મારા દીકરાનો હાથ કાંડેથી અને કોણીએથી ચોંટી ગયો હતો. જેની સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી નહિતર તેનો હાથ કાયમ માટે ચોંટેલો જ રહી જાત. અમને ચિંતા હતી કે અમારું બાળક તેનું આગળનું જીવન કેવી રીતે જીવશે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલે અમારી તમામ ચિંતા દૂર કરી દીધી. આજથી છ મહિના પહેલા તેનું ઓપરેશન કરીને તેનો હાથ કોણીએથી છુટ્ટો કરીને નોર્મલ કરી દીધો હતો. હવે બીજા સ્ટેજમાં તેના કાંડાનું ઓપરેશન કરીને તેને નોર્મલ કરવામાં આવ્યો છે. અહીંના માયાળું સ્ટાફે કોઈ બાબતમાં ઓછું પડવા નથી દીધું. આવી સારવાર અને સેવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ મળી શકે, તેમ મહિપાલ સોલંકીના માતા સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું.

ખાનગી હોસ્પિટલમાં મને લઈ ગયા હોત તો અધધ ખર્ચો થાત, પરંતુ સિવિલમાં મારી તમામ સારવાર નિઃશુલ્ક થઈ ગઈ:રણજીત વાઘેલા

રાજકોટ સિવિલ હોસ્પિટલની સારવાર અંગે વાત કરતાં રણજીત વાઘેલાએ કહ્યું હતું કે, રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ મારુ ગંભીર એક્સિડન્ટ થયું હતું. એક્સિડન્ટના કારણે મારા બંને પગની હાલત ખરાબ થઈ ગઈ હતી, તેને જોઈ શકાય તેમ પણ નહોતા. મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. સૌથી પહેલા મને ઓર્થોપેડિક વિભાગમાં લઈ આવ્યા હતા અને મારુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. અહિયાં મારા બંને પગમાં પ્લાસ્ટિક સર્જરી કરીને મને નવજીવન મળ્યું છે. અહિયાં રોજ સમયસર મારુ ડ્રેસિંગ થાય છે, ડોક્ટર પોતે અહિયાં આવીને ચેકીંગ કરે છે. મને ટાઇમ ટુ ટાઇમ ભોજન, દવા અને સારવાર મળી રહે છે. ખાનગી હોસ્પિટલમાં મને લઈ ગયા હોત તો ખર્ચ પણ વધારે આવત એના બદલે મને અહિયાં નિશુલ્ક સારવાર અને એકદમ સારી સુવિધા મળી ગઈ.આ તકે ડોક્ટર કેયૂર ઉસદડિયા દ્વારા સ્કીન વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ સારવારની વિગતો આપવામાં આવી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.