વોશીંગ્ટન
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ઈમિગ્રેશન અધિકારીઓ કોઈના પણ ઘરમાં, ઓફિસોમાં ઘૂસીને તપાસ કરે છે. તેમને સંતોષકારક જવાબ ના મળે તો જે-તે વ્યક્તિની અટકાયત કરી લ્યે છે. આથી ગુજરાતીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ડીપોર્ટેશનના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથેની પાર્ટ-ટાઈમ નોકરીઓ છોડી રહ્યા છે. તપાસ એજન્સીઓ વારંવાર તેમના આઈડી ચકાસી રહી છે. ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ઇલિયોનોઈસમાં રહેતા અને અવર-જવર કરતાં ગુજરાતીઓને ઈમિગ્રેશન અધિકારીઓ રસ્તામાં રોકીને પણ તેમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરે છે. આ અંગે અમેરિકન સંવિધાન પ્રમાણે શું કરવું અને શું ના કરવું એ અંગેની માહિતી દરેક શહેરોમાં વસતા અને દરેક ગ્રુપના ગુજરાતીઓએ બહાર પાડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા ૧૦૪ ગેરકાયદે ભારતીય વસાહતીઓને ડિપોર્ટ કરાયા અને વધુ ૬૮૭ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકવાની તૈયારી ચાલી રહી છે.