મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યાં છે. મહેસૂલી સેવાઓના લાભો સત્વરે લોકોને પ્રાપ્ત થાય તે માટે ટેકનોલોજીના મહતમ ઉપયોગ થકી સેવાઓ ઓનલાઈન બનાવી છે. જેના પરિણામે નાગરિકોના સમયની બચત સાથે ભ્રષ્ટાચાર નિર્મૂલનમાં પણ મોટી સફળતા મળી છે.
આજે વિધાનસભા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લામાં બિન ખેતીની પરવાનગી અરજીઓના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રી પટેલે કહ્યું કે, રાજ્યનો જે રીતે સુગ્રથિત વિકાસ થઈ રહ્યો છે તેને અનુલક્ષીને એન.એ./બિન ખેતી માટે વધુ અરજીઓ આવે છે.
આ અરજીઓનો સત્વરે નિકાલ થાય તે માટે વર્ષ ૨૦૧૮થી એન.એ.ની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. જેમાંથી પંચાયત અને કલેકટર પાસેથી સત્તાઓ લઈ લીધી છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરાતા આ પ્રક્રિયા વધુ પારદર્શી અને ઝડપી બની છે.
તેમણે કહ્યું કે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૯૫૩ અરજીઓ આવી હતી તે પૈકી ૯૨૯ હેકટર વિસ્તારને બિન ખેતીની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આપવાથી છેલ્લાં બે વર્ષમાં અંદાજે રૂ. ૫૫.૬૪ કરોડની પ્રીમિયમ પેટે આવક થઈ છે.