૩૩ ગુજરાતીની તપાસ શરૂ, કબૂતરબાજ એજન્ટો પર પણ કાર્યવાહીની તૈયારી
ગાંધીનગર
અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયો માટે મુશ્કેલી વધી રહી છે. તાજેતરમાં અમેરિકાથી પરત ફરેલા ૩૩થી વધુ ગુજરાતી નાગરિકોની પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. આ નાગરિકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ થશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, અમેરિકામાં હાલમાં લગભગ ૧૮,૦૦૦ ભારતીય નાગરિક ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, જેમાં ગુજરાત અને પંજાબના નાગરિકોની સંખ્યા સૌથી વધારે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરિકોની સંખ્યા વિશેષ છે. પરત ફરેલા નાગરિકોમાં કલોલ તાલુકાના બે નાગરિકો – પટેલ માયારા નિકેતનકુમાર અને પટેલ રિસીતાબેન નિકેતનકુમાર (મૂળ ઇસન્ડ)નો સમાવેશ થાય છે. તેઓ છેલ્લા ૧૨ મહિનાથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હતા અને હાલ પરત આવ્યા બાદ તેમનું મકાન બંધ છે. પોલીસ આ નાગરિકોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડનારા કબૂતરબાજ એજન્ટોની પણ તપાસ કરશે. આ કારણે ઘણા એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમેરિકામાં કાર્યરત ભારતીય નાગરિકોનું આર્થિક શોષણ પણ થતું હોવાનું સામે આવ્યું છે. જેમને અમેરિકન ડોલરના પ્રમાણમાં અડધો પગાર આપવામાં આવતો હતો. અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતીઓને દેશ છોડવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી ભારતમાંથી મોટી લોન લઈને ફરાર થયેલા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ માટે પણ મુશ્કેલી વધી છે.