અમદાવાદ
અમદાવાદના કાંકરિયા લેક પર આવેલા ઝૂમાં વાઘના પાંજરામાં એક યુવક ધૂસી જતા ભારે દોડધામ મચી હતી. અંદાજે ૨૦ ફૂટ ઊંચા પાંજરા પર યુવક કોઈ કારણોસર ચડી ગયા બાદ ઝાડ પર ટીંગાઈ ગયો હતો. આ સમયે જ યુવકનો પગ લપસતા પડતા પડતા બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. લોકોએ તુરંત જ સિક્યુરિટીને જાણ કરતા ગૂની સિક્યુરિટીનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહામહેનતે યુવકને સમજાવી બહાર કાઢયો હતો. યુવકને કબજો લઈ મણિનગર પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક તેમની સાથે આવેલી યુવતીને ઈમ્પ્રેસ કરવા આ રીતનું કૃત્ય કર્યું હોવાની ચર્ચા છે. કાંકરિયા ઝૂમાં વાઘના ઓપન પાંજરામાં અંદાજીત ૨૦ ફૂટ ઊંચી લોખંડની જાળી લાગેલી છે. રવિવારે બપોરના સમયે એક યુવક કોઈ કારણોસર આ રેલિંગ કૂદીને પાંજરામાં આવેલા ઝાડ પર ચડી ગયો હતો. આ સમયે વાઘ પણ ત્યાં નીચે જ હતો. ઝાડ પર ચડયા બાદ યુવકનો પગ લપસતા માંડ માંડ બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોની રાડો ફાટી ગઈ હતી. પાંજરામાં નીચે વાઘ હતો જ્યારે યુવક ઝાડ પર હતો. આ સમયે જ લોકોએ બૂમાબૂમ કરી મૂકતા સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો. જો કે, વાઘ ખુલ્લો હોય સિક્યુરિટી માટે પણ અંદર તુરંત પ્રવેશવું મુશ્કેલ જણાતું હતું. જેથી યુવકને સમજાવીને નીચે ઉતાર્યો હતો. યુવક ઝાડ પર ચાલીને રેલીંગ પરથી નીચે ઉતરતા જ સિક્યુરિટીએ ઝડપી પાડયો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
