અમદાવાદ
હેલમેટ સહિતના ટ્રાફિકના કાયદાનો અસરકારક અમલ કરાવીને અકસ્માતમાં થતો મોતનો આંકડો ઘટાડવાની ઝુંબેશના ભાગરૂપે રાજ્ય પોલીસ વડાએ તમામ સરકારી કચેરીના ગેટ પાસે ટ્રાફિક પોલીસને ઉભી રાખીને ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસૂલવા આદેશ કર્યો છે.
જેમાં દસ દિવસની સ્પેશિયલ ડ્રાઇવ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં પહેલા જ દિવસે શહેરમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેવા સરકારી બાબુઓ સામે કુલ ૬૬૦ કેસ કરીને ૩ ૩.૩૦ લાખનો દંડ કર્યો છે.જેમાં ૭૨ પોલીસકર્મીઓ પણ સામેલ છે. ઉપરાંત દંડથી બચવા બાબુઓએ હેલ્મેટ ન પહેરવા અને સીટ બેલ્ટ ન બાંધવા અવનવા બહાના બતાવ્યા હતા. બીજી તરફ ગાંધીનગરમાં ૨૭૦ કર્મચારીઓ દંડાયા હતા તેમને ૧.૧૪ લાખનો દંડ ફટકારાયો હતો.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં હેલ્મેટના નિયમનું પાલન કરાવવું ખુબ જરૂરી છે. જેના કારણે રોડ અકસ્માતમાં થતા
મૃત્યુ કે ગંભીર ઇજાના બનાવો પર અંકુશ લાવી શકાશે. જેમાં પૂર્વ વિસ્તારમાં કુલ ૨૭૨ કેસ કરીને રૂ. ૧.૩૯ લાખનો દંડ કર્યો હતો. તેમજ પશ્ચિમ વિસ્તારમાં ૩૮૮ કેસ કરીને ૧.૯૪ લાખનો દંડ ફટકાર્યો છે ઉપરાંત તેમાં ૭૨ પોલીસકર્મીઓ સામે પણ હેલ્મેટ ન પહેરવા અંગે કેસ કરીને ૩૬ હજારનો દંડ કર્યો છે.
હેલ્મેટ ન પહેર્યું તેવા બાબુઓને પોલીસે પકડતા અહિં નજીકમાં જ રહું છું, તેમજ માથામાં સર્જરી કરાવી છે, માથામાં ગરમી લાગે છે તેવા બહાના બતાવ્યા હતા. જ્યારે સીટ બેલ્ટ અંગે મને સીટ બેલ્ટ પહેરવાથી છાતીમાં પ્રેસર આવે છે મને બિમારી છે. તેમજ સીટ બેલ્ટ નાનો પડે છે તેવા બહાના બતાવ્યા હતા.