અમદાવાદ
રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૪ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના ભાગરૂપે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. ૧૨મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સ એ આ અધિનિયમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રાજયમાં અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ની સ્થિતિએ રાજ્યભરની ૧૯,૯૯૮ આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ નોંધણી થઈ છે. જે પૈકી ૧૪,૬૪૭ આરોગ્ય સંસ્થાઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ૧,૮૮૨ સરકારી, ૫,૨૬૮ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૨,૦૨૮ એલોપેથી, ૧,૬૨૨ આયુર્વેદિક તેમજ ત્રણ હજારથી વધુ હોમિયોપેથી હોસ્પિટલ અને ક્લિનિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૫૪૬ કિલનિકલ લેબ, ૨૮૬ ઇમેજિંગ સેન્ટર, ૪૦ બ્લડ બેંક અને ૩૯ જેટલી યૂનાની સંસ્થાઓએ આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રાષ્ટ્રીય, રાજય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટંટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે. જે હેતુથી જ રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે. આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે. આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિકસેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક/હોસ્પિટલ/સ્ટેન્ડએલોન લેબ અને અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટને પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ/કાયમી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે. આ એક્ટ હેઠળ કોઈ માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સૈનિટોરિયમનો સમાવેશ થાય છે.
તદ્ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન, સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઈ લાગુ પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લિશમેટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ ૨૨-૫-૨૦૨૧ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ ૧૩-૯-૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે. ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત નિયમો અને નિયમન તારીખ ૧૩/૦૩/૨૦૨૪ ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.