હૈદરાબાદ સ્થિત ઓફિસને તાળા મારી રોકાણકારોને વળતર ચુકવવાનું બંધ કરાયું, નકલી વેન્ડર પ્રોફાઇલ અને નકલી સોદા દ્વારા રોકાણકારોને છેતરવામાં આવ્યા, પોલીસે ૧૯ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો
(માનવમિત્ર) | હૈદરાબાદ
ફાલ્કન ઇનવોઇસ ડિસ્કાઉન્ટિંગ પ્લેટફોર્મના નામે ચલાવવામાં આવી રહેલા ૮૫૦ કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડમાં બે વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં દેશના ૬૦૦૦થી વધારે રોકાણકારોને છેતરવામાં આવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપીઓએ લોકોને થોડા સમયમાં વધુ રિટર્ન આપવાની લાલચ આપી હતી. ફાલ્કન કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી અમરદીપ કુમાર, સીઓઓે આર્યન સિંહ અને સીઇઓ યોગેન્દ્ર સિંહ હાલમાં ફરાર છે. આ તમામે લોકોને ૧૧ થી ૨૨ ટકા વળતર આપવાની લાલચ આપી હતી. રોકાણની મર્યાદા ૨૫૦૦૦ રૂપિયાથી ૯ લાખ રૂપિયા હતી અને સમયગાળો ૪૫ દિવસથી ૧૮૦ દિવસ સુધીનો હતો. આ માટે મોબાઇલ એપ અને વેબસાઇટ બનાવવામાં આવી હતી જેના કારણે આ સ્કીમ પર લોકો વિશ્વાસ મૂકી શકે. જો કે હકીકતમાં નકલી વેન્ડર પ્રોફાઇલ અને નકલી સોદા દ્વારા રોકાણકારોને છેતરવામાં આવ્યા હતાં. પોલીસે આ કેસમાં અત્યાર સુધી ૧૯ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી બેની ધરકપડ કરવામાં આવી છે અને બાકીના ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પવન કુમાર (કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને ફાલ્કન ઇનવોઇસ ડિસ્કાઉન્ટિંગ પ્લેટફોર્મના બિઝનેસ હેડ) કાવ્યા એન (કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ફાલ્ડન કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર) સામેલ છે. આ કૌભાંડ ૨૦૨૧થી ચાલી રહ્યું હતું. નવા રોકાણકારોથી પૈસા લઇને જૂના રોકાણકારોને વળતર ચુકવવામાં આવતું હતું. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫થી આ સ્કીમના રોકાણકારોને વળતર ચુકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને હૈદરાબાદ સ્થિત ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓએ રોકાણકારોના નાણા શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતાં અને તેનાથી ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ, આઇટી સોફ્ટવેર કંપનીઓ, મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ, લકઝરી હોટેલ અને પ્રાઇવેટ ચાર્ટર સર્વિસ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ જેવા બિઝનેસ ઉભા કરી લીધા હતાં.