(માનવમિત્ર) | નવીદિલ્હી
અમેરિકાના દબાણથી હોય કે પછી રશિયન કંપનીઓએ ડિસ્કાઉન્ટ ઘટાડયું એ કારણ હોય, પરંતુ ભારતે રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડી છે. નવેમ્બર અને ડિસેમ્બર-2024ના મહિનાઓના આંકડાંનું એનાલિસિસ કરીને યુરોપિયન થિંક ટેંકે દાવો કર્યો કે રશિયાથી ક્રૂડની આયાત ઘટાડી છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં જે વાતચીત થઈ એમાં ભારત-અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલનો વેપાર વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે ને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ધીમે ધીમે બંધ કરે.
યુરોપિયન થિંક ટેંક સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અહેવાલમાં દાવો થયો કે રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સૌથી વધુ રશિયન ક્રૂડ ખરીદનારો ભારત ચીન પછી બીજો દેશ હતો. રશિયાના કુલ ઓઈલમાંથી 45-47 ટકા ચીન ખરીદે છે. 40થી 42 ટકા ભારત ખરીદે છે. ભારત કુલ જરૂરિયાતમાંથી 85 ટકા ઓઈલની આયાત કરે છે. ભારતે ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું એ પછી છેક ગયા વર્ષે નવેમ્બરમાં પહેલી વખત આયાત ઘટી હતી. અમેરિકામાં ટ્રમ્પ જીતી જશે એવી પૂરી શક્યતા વચ્ચે નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એ જ મહિને ભારતની રશિયન ક્રૂડની આયાતમાં માતબર 55 ટકાનો ઘટાડો થયો હતો. એટલે કે ભારત રશિયાના ક્રૂડની 40 ટકા આયાત કરતું હતું એના વિકલ્પે ભારતે સાઉદી અરબ અને ઈરાન પાસેથી વધુ ઓઈલ ખરીદ્યું હતું.
ભારતે આયાત ઘટાડી એનાથી રશિયાની ક્રૂડની આવકમાં 17 ટકાનો માતબર ઘટાડો થયો હતો. નવેમ્બરમાં ભારતે સાઉદીમાંથી પ્રતિદિન 6.21લાખ બેરલ ક્રૂડની આયાત કરીને રશિયાના ક્રૂડની ખાદ્ય પૂરી કરી હતી. ડિસેમ્બર-2024માં પણ આયાતમાં ઘટાડાનો સિલસિલો આગળ વધ્યો હતો ને 17 ટકા ઓછું ક્રૂડ ભારતે આયાત કર્યું હતું. ભારતે ડિસેમ્બરમાં દૈનિક 14.4 લાખ બેરલની આયાત કરી હતી. જે અગાઉ દૈનિક 17.8 લાખ બેરલની આયાત કરતાં ઓછી હતી. તેના બદલે ઈરાન પાસેથી ભારતે વધુ જથ્થો ખરીદ્યો હતો. ભારતે ડિસેમ્બરમાં ઈરાન પાસેથી ૧૨.૩ લાખ બેરલ પ્રતિદિન મંગાવ્યા હતા. અગાઉના મહિનાઓમાં આ સરેરાશ 8.9 લાખ બેરલની હતી.
