(માનવમિત્ર) | નવીદિલ્હી
રાજસ્થાનના જયપુરમાં એક સરકારી એન્જિનિયર કરોડોની મિલકતનો માલિક નીકળ્યો. આ મિલકત તેણે વારસાગત નહીં પરંતુ લાંચ અને રૂશ્વતના માર્ગે ઉભી કરેલી છે. એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના દરોડામાં લોક નિર્માણ વિભાગ (PWD) એન્જિનિયર દીપક કુમાર મિત્તલ પાસે તેની કમાણીના 205 ટકાથી વધુ સંપત્તિ મળી આવી છે. જોધપુર, જયપુર, ઉદયપુર અને હરિયાણાના ફરિદાબાદ સ્થિત મિત્તલના છ સ્થળોએથી 17 પ્લોટ ઉપરાંત રૂ. 50 લાખ રોકડ એસીબી દ્વારા જપ્ત કરવામાં આવી છે.
એન્ટી કરપ્શન બ્યૂરોને સરકારી XEN (એક્ઝિક્યુટીવ એન્જિનિયર) દીપક કુમાર મિત્તલ ખુલ્લેઆમ લાંચ લઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, દિપક કુમારના ઘરે લાંચ પેટે રૂ. 50 લાખ મોકલવામાં આવ્યા છે. આ રૂપિયાનો નિવેડો લાવવા દિપક બે દિવસની અંદર જમીનનો સોદો કરવાનો છે. એસીબીએ તે સોદો કરે તે પહેલાં જ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતાં.
