ભુજ
ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ, ટ્રેલર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5 લોકોના મૃત્યુ થયા છે અને 24 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે. અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી હતી અને રોડ પર લાશો પથરાઈ હતી. મળતી માહિતી અનુસાર કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને બાબિયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેલર, કન્ટેનર ટ્રેલર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો અને લાશો રોડ પર વિખેરાઈ હતી. મિની બસમાં ચાલીસેક લોકો જઈ રહ્યા હતા. ત્યારે બપોરના સમયે ગંભીર અકસ્માત થયો હતો. દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 24 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ ચુડા પોલીસ કાપરા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર ખસેડવાની કામગીરી કરાઈ હતી. ત્રિપલ એક્સિડન્ટની દુર્ઘટના બાદ જી કે જનરલ હોસ્પિટલ દોડી ગયેલા કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ ઇજાગ્રસ્ત લોકોની સારવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારબાદ બસમાં વધુ મુસાફરો અંગેની તપાસ પણ થશે. ઘટના પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (હાલ એક્સ) પોસ્ટ પર એક પોસ્ટ કરી જેમાં તેમને કહ્યું”કચ્છના કેરા-મુંદ્રા રોડ પર થયેલ વાહન અકસ્માતની કરુણ ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે. મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને સમયસર ઝડપી સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.”