તોડબાજી કરતાં આરટીઆઈ એક્ટિવિસ્ટ પત્રકારો પર એસ ઓજી ત્રાટકી, ક્યાં વાંચો

Spread the love

 

માનવમિત્ર | ગાંધીનગર

રાજ્યમાં આરટીઆઈનો કાયદો આવ્યો ત્યારથી અમુક ચંડાળ ચોકડીઓ તોડબાઝના ધંધામાં ઝંપલાવ્યું છે, કોન્ટ્રાક્ટરો, વાયરમેનનું કામ કરતા પત્રકારના 315 કઢાવીને મહાનગરપાલિકાઓમાં કબજો જમાવી દીધો છે, આખો દિવસ મહાનગરપાલિકામાં કોના બિલો પાસ થયા કોના વિરુદ્ધ તપાસ ચાલે છે, બિલ્ડરોની મૂકેલી સ્કીમોમાં લોચા લાપસી કયાં છે, ત્યાં આરટીઆઇ કરીને લાપસી સાથે લાડવા ખાવા તંત્રની પણ મિલીભગત હોવાનું સામે આવ્યું છે, ગુજરાતની મોટાભાગની મહાનગરપાલિકાઓમાં પત્રકારના સ્વાંગમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની માહિતી મેળવીને તોડપાણી કરતા તત્વો સામે હવે સરકાર પણ કડક બની છે,

સુરતની ઘટનામાં ધારાસભ્ય દ્વારા કરેલ ફરિયાદ બાદ અમદાવાદના એમએલએ અમિત ઠાકર દ્વારા પણ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. આખો દિવસ મહાનગરપાલિકામાં પડી રહેતા આવા તત્વો સામે હવે સરકાર એલર્ટ થઈ ગઈ છે, ત્યારે આર.ટી.આઈ કરીને શું કરવા માંગે છે તે ખરેખર આશય સિદ્ધ થતો નથી આરટીઆઈના હથિયારથી મોટા તોડબાઝો બની ગયા હોવાનું સામે આવ્યું છે, સુરતમાં કથિત RTI એક્ટિવિસ્ટ દ્વારા લોકોને બ્લેકમેઈલ કરવાની ઘટનામાં વધુ ચાર ફરિયાદો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે. ચારેય ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ચાર ફરિયાદોમાંથી એક ફરિયાદ સુરત મહાનગરપાલિકાની મહિલા કર્મચારી રૂબીના સામે છે. તેણીએ પોતાના ભાઈ અને પતિ દ્વારા RTI કરાવીને લોકોને બ્લેકમેઈલ કરવાથી લઈને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં માત્ર ત્રણ દિવસમાં સુરત પોલીસે કુલ ૧૭ ફરિયાદ નોંધી છે.

RTI કાયદાનો દુરુપયોગ કરીને ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરીને ખંડણી ઉઘરાવતી ગેંગના કાવતરાનો પર્દાફાશ થયો છે. સુરતના એક બિલ્ડરે RTI એક્ટિવિસ્ટ શાકિબ મુનાફ ઝરીવાલા અને તેની પત્રી રૂબીના ઝરીવાલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં લાખો રૂપિયાની ખંડણીની ઉથરાણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. રૂબિના SMCમાં કર્મચારી પણ છે. માર્ચ ૨૦૨૨માં, વોર્ડ નંબર-૦૨, પ્લોટ નંબર ૧૭૬૦/૧૭૯૧ પર બિલ્ડરે ‘મન્નત-૦૧’ નામનું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન RTI એક્ટિવિસ્ટ શાકિબ ઝરીવાલા સાઈટ પર આવ્યો અને પોતાની ઓળખ ના પત્રકાર તરીકે આપી. આ યુવકે જણાવ્યું કે “તમારું બાંધકામ ગેરકાયદેસર છે, જો તમે મને પૈસા નહીં આપો તો હું સુરત મહાનગર પાલિકામાં અરજી કરીને બાંધકામ તોડાવી નાખીશ.” બિલ્ડરે શાકિબની ધમકીની પરવા કર્યા વગર “મારું બાંધકામ કાયદેસર છે, જે કરવું હોય કરો” તેમ કહી દીધું.

થોડા દિવસ બાદ બિલ્ડર પાલિકા કચેરીમાં ફરિયાદ કરવા ગયા ત્યારે શાકિબ ઝરીવાલા અને તેની પત્ની રૂબીના સુરત મહાનગર પાલિકા (સેંટ્રલ ઝોન) કચેરીમાં હાજર હતા. શાકિબે સીધા બિલ્ડરને કહેલું કે, “હું તારા બાંધકામ તોડાવા માટે અહીં આવ્યો છું અને મારી પત્ની પણ અહીં જ નોકરી કરે છે.” રૂબીનાએ પણ પોતાના પતિનું સમર્થન આપ્યું અને “તમે શાકિબ જે કહે તે કરો” તેમ જણાવ્યું.RTI એક્ટિવિસ્ટ શાકિબ ઝરીવાલાએ બિલ્ડર પાસે રૂ. ૧,૫૦,૦૦૦ની ખંડણી માંગતા, બિલ્ડરે એવાં પૈસા આપવાની ના પાડી. શાકિબે ફરી પાલિકામાં ફરિયાદ કરવાની અને તેની પત્નીના નામથી પ્રેશર લાવવા ધમકી આપી, જેના કારણે બિલ્ડરે પહેલીવાર ડરભીત થઈ રૂ. ૫૦,૦૦૦ આપી દીધા. શાકિબે સતત વધુ પૈસાની માંગણી કરી, જેના કારણે બિલ્ડરે ટુકડે-ટુકડે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં એક લાખ રૂપિયા વધુ આપી દીધા. જાન્યુઆરી ૨૦૨૩માં, એક દિવસ સાંજે બિલ્ડર સાઈટ પર હાજર હતા ત્યારે શાકિબ ફરી આવ્યો અને વધુ ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી.

બિલ્ડરે આ વખતે પૈસા આપવાનો ઈનકાર કર્યો.શાકિબે ગળા પર ચપ્યુ રાખીને ધમકાવ્યું: “મને ઓળખતો નથી, મારા પર ઘણા ગુના દાખલ થયા છે, પણ પોલીસ પણ મારું કઈ નહીં કરી શકે. તારે મને પૈસા આપવા જ પડશે!”જીવ બચાવવા બિલ્ડરે તુરંત રૂ. ૫,૦૦૦ શાકિબને આપ્યા.બિલ્ડરના સાથીદાર અફસર હારૂન મલેક વચ્ચે પડ્યા અને બચ્ચાવ કર્યો. આજુબાજુ લોકો ભેગા થતાં શાકિબ મોટરસાયકલ પર ભાગી ગયો, પરંતુ જતા-જતા “જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ” એવી ધમકી આપી. બીજી FIRની વાત કરવામાં આવે તો રમેશ જાંગીર વિરુદ્ધ બિલ્ડરની ફરિયાદ દાખલ થઈ છે. ગોપીપુરા વિસ્તારના બિલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, રમેશ જાંગીરે ખોટા સમાચારો પ્રકાશિત કરીને તેમના કાયદેસર બાંધકામને ગેરકાયદેસર જાહેર કર્યું અને પૈસાની માંગણી કરી. જાન્યુઆરી ૨૦૨૪થી રમેશ જાંગીરે પત્રિકામાં બિલ્ડરના ઘરના ફોટા અને સરનામા સાથે ખોટા સમાચાર છાપીને દબાણ બનાવ્યું ફરિયાદ અનુસાર, રમેશ જાગીરે “પૈસા આપશો તો તમારા પર સમાચાર નહીં છાપીશ” કહી ૧૨,૦૦૦ રૂપિયા લીધા છતાં વધુ પૈસાની માંગણી ચાલુ રાખી. બિલ્ડર અને તેમના પુત્રે વધુ પૈસા આપવા ઇનકાર કર્યો તો રમેશ જાંગીરે અવારનવાર ખોટા સમાચાર પ્રકાશિત કરીને માનસિક ત્રાસ આપ્યો.

ત્રીજી FIRમાં ગોપીપુરા વિસ્તારમાં RTIના નામે ખંડણી ઉઘરાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બિલ્ડરે એક ન્યુઝ પેપરના સચીન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે સચીન પટેલે બિલિંગના ફોટા સાથે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરીને દબાણ બનાવ્યું. ૧૦,૦૦૦ રૂપિયા ઉઘરાવ્યા છતાં વધુ પૈસાની માંગણી ચાલુ રાખી. જાન્યુઆરી ૨૦૨૫માં સચીન પટેલે મથાળા સાથે બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનું જાહેર કર્યું અને મહાનગરપાલિકાના ઈજનેરો પર લાંચના આક્ષેપ મૂકી ખોટી હકીકત પત્રિકા દ્વારા પ્રસિદ્ધ કરી. જયારે બિલ્ડરે સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વધુ રૂપિયા માંગીને ધમકી આપવામાં આવી. અન્ય FIRમાં ગોપીપુરા વિસ્તારમાં ખંડણી ઉધરાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફીરોઝ શેખ, એક પત્રિકાના કથિત પત્રકાર, વિરુદ્ધ એક બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ફીરોઝ શેખે બિલ્ડિંગના ફોટા સાથે ખોટી માહિતી પ્રકાશિત કરી, કે મિલકત ગેરકાયદેસર બાંધકામ સાથે ઉભી કરવામાં આવી છે. ત્યારબાદ “પૈસા આપશો તો સમાચાર નહીં છાપીશ” કહી ૧૩,૦૦૦ વસૂલી લીધા, પણ પછી વધુ રૂપિયા માંગવાનું ચાલુ રાખ્યું. જયારે બિલ્ડરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વધુ ધમકીઓ આપવામાં આવી.

આ સમગ્ર મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, લોકોને હેરાન કરનાર આવા આરોપીઓ સામે સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવશે. અમે તમામ આરોપીઓના કોલ ડિટેલ્સ અને મોબાઈલની તપાસ કરી રહ્યા છીએ, જેમાં અમને અનેક પુરાવાઓ પણ મળી રહ્યા છે. આ પુરાવાઓના આધારે અમે આગળની કાર્યવાહી કરશું. કોલ ડિટેલ્સ અને પુરાવાઓમાં કોઈપણ SMCના અધિકારી, અન્ય કોઈ બ્લેકમેલર અથવા વકીલ સામેલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કારણ કે અત્યાર સુધી લોકો ભયમાં હતા અને ફરિયાદ આપી રહ્યા નહોતા પરંતુ, આવા પીડિતો સાથે સુરત પોલીસ છે અને અમે ફરિયાદના આધારે કાર્યવાહી કરીશું.તાજેતરમાં પોલીસે પાલિકા પાસેથી RTI એક્ટિવિસ્ટોની માહિતી મેળવી, જે તમામ ઝોનમાંથી પૂરી પાડવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર ૯૦થી વધુ RTI એક્ટિવિસ્ટોની યાદી સામે આવી છે, જેમાંથી ૩૫થી વધુ એક્ટિવિસ્ટોએ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦થી ૫૫૦ સુધી RTI અરજીઓ કરી હતી. આ એક્ટિવિસ્ટો ગેરકાયદે બાંધકામની માહિતી RTI દ્વારા મેળવી પછી તોડ-ખંડણી ઉઘરાવતા હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આ ગઠિયાપણામાં કેટલાક ભ્રષ્ટ પાલિકા અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાના ખુલાસા થયા છે.

 

 

 

 

 

 

 


ગુજરાતમાંથી ચાર જેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ મંત્રીને ફરિયાદ કરી છે, ત્યારે શ્રી ગણેશ સુરતથી થઈ ગયા છે, મોટાભાગની મહાનગરપાલિકાઓ કલેકટર કચેરી ખાણ ખનીજ આ ડિપાર્ટમેન્ટમાં હૈં એક્ટિવીસ્ટોના સ્વાંગમાં પત્રકારના લેબલો લઈને આર.ટી.આઈ કરીને મોટા તોડબાજી થતી હોવાનું સામે આવ્યું છે, કોન્ટ્રાક્ટરોથી લઈને રોડ રસ્તા પર રોમિયોબાજી કરતા તોડબાઝો બની ગયા છે,


મહાનગરપાલિકામાં આરટીઆઇ કરવાની પણ સોપારી લેતા થયા છે, અનેક જગ્યાએ આરટીઆઈના નામે માહિતી મેળવીને ફક્ત અને ફક્ત તોડ પાણી કરવાનું હોય તેવી ટોળકી તૈયાર થઈ છે, કોઈ કામ ધંધો નહીં બાકી નવી ગાડીઓ લઈને ફરવાનું માહિતી મેળવીને ફટાફટ આરટીઆઈ કરી તોડબાજી કરતાં તત્વો સામે હવે સરકાર બાઝ નજર રાખી રહી છે, આવનારા સમયમાં સુરત પછી અનેક મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, ખાણ ખનીજ, કલેક્ટર કચેરી ખાતે ઘોષ બોલાવવા તંત્ર તડામાર તૈયારી સાથે ત્રાટકે તો નવાઈ નહીં


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *