રાંધેજા (ગાંધીનગર)
ગાંધીનગરના રાંધેજામાં એક અનોખો લગ્ન સમારંભ યોજાયો હતો. જ્યાં ક્રિકેટ પ્રેમી યુગલે લગ્નના માંડવામાં મેચનું લાઈવ પ્રસારણ કરાવ્યું હતું અને મેચ જોતા જોતા મંગળફેરા ફર્યા હતા. પાર્ટી પ્લોટમાં મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી હતી. લગ્નના ફટાણાની જગ્યાએ બપોરથી જ મેચનું લાઈવ પ્રસારણ ચાલી રહ્યું હતું. તમામ મહેમાનોએ મેચનો આનંદ માણ્યો હતો. સેકટર – 30 માં રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો કરતા પાર્થ પટેલે કહ્યું કે, માનસી અને મારા લવ મેરેજ રાંધેજાના પાર્ટી પ્લોટમાં યોજાયા હતા. બન્ને ભારતીય ક્રિકેટ ટીમના ફેન છે અને ઘણી મેચો અગાઉ અમદાવાદમાં સાથે જોઈ છે. ભારત પાકિસ્તાનની મેચ હોવાથી લગ્ન સમારંભમાં ખાસ મોટી LED સ્ક્રીન મૂકી હતી. જેમાં પાર્થે જણાવ્યું કે, લગ્નના “ફટાણા” ની જગ્યા એ બપોરથી જ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને સૌ મહેમાનોએ નિહાળ્યું હતું. અમારી લગ્નની ચોરી પૂર્ણ કરીને એજ સમયે છેલ્લી ઓવરની રોમાંચક ઘડી આવી હતી. એટલે અમે બધા લાઈવ મેચ નિહાળવા બેસી ગયા હતા. જેમાં પાર્થ પટેલે એમ પણ જણાવ્યું કે “ભારતની જીત અમારા લગ્ન ની યાદગાર ક્ષણ બની ગઈ છે”.




