ગાંધીનગર
પાટનગરમાં ચોવિસ કલાક પાણી આપવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા ખોદાણ કરીને લાઇન નાખવામાં આવી છે. પરંતુ લાઇન નાખ્યા બાદ તંત્રી લીકેજ થઇ ગયુ હોય તેમ ઠેર ઠેર લાઇનો લીકેજ થતા પાણી શહેરીજનોના ઘર આગળ રેલાઇ રહ્યા છે.
લાઇનો નાખ્યા પછી એક પણ દિવસ એજન્સીના કામદારો જોવા સુદ્ધા ફરક્યા નથી. જેથી નાગરિકોના ઘર આગળ ગંદકી ખદબદવા લાગી છે.
રાજ્યના પાટનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચોવિસ કલાક પાણી આપવાની યોજના બનાવવામાં આવી છે. જેના માણે તંત્ર દ્વારા ભૂગર્ભમાં કેટલાક સેક્ટરમાં પાણીની લાઇન નાખી દેવામાં આવી છે, જ્યારે કેટલીક જગ્યાએ કામગીરી ચાલી રહી છે.
આ સ્થિતિ વચ્ચે જ્યાં પાણીની લાઇનો નાખવાની કામગીરી પુરી કરવામાં આવી છે, ત્યા લાઇનો લીકેજ થઇ રહી છે. લાઇનો લીકેજ થતા જાણે મહાપાલિકાનુ તંત્ર લીકેજ થઇ ગયુ હોય તેમ જોવા મળી રહ્યુ છે.
સેક્ટરમાં ઘર સુધી લાઇન નાખવામાં આવી છે, આ લાઇનો લીકેજ થતા ઘર આગળ જ ગંદકી ખદબદવા લાગી છે. નાગરિકો મુંજવણી અનુભવી રહ્યા છેકે, રજૂઆત કરવી તો પણ કોને કરવી ?. દરરોજ પાણી લીકેજ થતા પાણીનો વેડફાટ પણ થઇ રહ્યો છે.
ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ પાણીની અછત સાંભળવા મળે છે. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં ચોવિસ કલાક પાણીની લાઇનો લીકેજ થતા પાણી વેડફાઇ રહ્યુ છે.
શહેરીજનો માંગ કરી રહ્યા છેકે, હજુ પણ અનેક જગ્યાએ પાણીની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમલ કરતા પહેલા તમામ કેટલી જગ્યાએ લીકેજ છે, તે લીકેજ શોધીને તેને બંધ કરવુ જોઇએ. ત્યારબાદ આગળની કામગીરી હાથ ધરવી જોઇએ.