ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજમાં MD-MS ત્રીજા વર્ષના 115 વિધાર્થીઓને નાપાસ કરાતા ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો છે કે, ડિજિટલ ચેકીંગના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ મામલે ABVP દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજે ABVPના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં ઘૂસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન ઝાડી તોડીને રજિસ્ટ્રારની કેબિનમાં ઘૂસી જઇ રજિસ્ટ્રારને ધમકી આપવામાં આવી હતી. ABVPના કાર્યકર્તાઓએ માગણી કરી છે કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પેપરનું ફરીથી પ્રત્યક્ષ ચેકીંગ કરવામાં આવે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, આ વર્ષે પ્રથમ વખત ડિજિટલ પદ્ધતિથી પેપર ચેકિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે, ફિઝિકલ ચેકિંગ કરાશે તો સાચું પરિણામ બહાર આવશે. ABVPના મેડિકલ વિભાગના નેતા મૌલિક ઠક્કરે જણાવ્યું હતું કે, “આટલી મોટી સંખ્યામાં વિધાર્થીઓને નાપાસ કરવાનો આ પહેલો કિસ્સો છે. અમે રીએસમેન્ટની માગ સાથે ફિઝિકલ ચેકિંગ કરવા માટે યુનિવર્સિટી સામે વિરોધ કરી રહ્યા છીએ.”