અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા 5 ઈસમો સહિત કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે શહેર પોલીસે 6664 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 1034 વાહન માલિકોને મેમો આપીને રૂ. 6,29,900/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 177 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રતિબંધિત હથિયારો મળી આવતા જી.પી. એકટ હેઠળ 17 કેસ નોંધવામાં આવ્યા હતા.
અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા 24 કલાકમાં અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં પોલીસે 969 ગુનેગારો સામે કાર્યવાહી કરી છે. 232 ગુનેગારોની પૂછપરછ કરવામાં આવી હતી. 20 પાસા કેસ અને 271 પ્રોહી કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત કાલુ ગરદનની 4 દુકાન અને 1 મકાન, દરિયાપુરમાં રવિનું 1 મકાન, મેઘાણીનગરમાં 2 મકાન, શહેરકોટડામાં 1 મકાન અને સરદારનગરમાં 1 મકાન દૂર કરવામાં આવ્યા હતા.