ગાંધીનગર
શહેરના સેક્ટર 8 ખાતે ઘરમાં ખાતર પાડવા આવેલા ચોરને મકાન માલિકે રંગેહાથ પકડી લીધો હતો. તે સમયે ચોરને હાર્ટએટેક આવતા મકાન માલિકે માનવતા બતાવતા તેની દવા કરાવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ચોરની ધરપકડ કરતા વધુ 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે ચોર શનિવાર અને રવિવારની રજામાં કલકત્તાથી ચોરી કરવા આવતો હોવાનુ સામે આવ્યુ છે.
ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો અવિરત રીતે સામે આવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ પહેલા શહેરના સેક્ટર 8માં એક બંધ મકાનમાં ચોરી કરવા માટે દરવાજે લગાવેલુ લોક તોડીને ચોર ઘરમાં ઘુસ્યો હતો. બરાબર તે સમયે જ મકાન માલિક આવી જતા આ ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો. ચોરી કરતા પકડી લેતા ચોરને હાર્ટએટેક આવી ગયો હતો. જેથી તેને તેની પાસે રહેલી દવા આપવા માટે મકાન માલિકને કહ્યું હતું અને તપાસ કરતા તે હૃદયની બીમારીથી પીડાતો હોવાનું કહ્યું હતું ત્યારબાદ તેને સારવાર માટે ગાંધીનગર સિવિલથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની નળી બ્લોકેજ હોવાનું પણ નિદાન થતા સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ સેક્ટર 7 પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી ગોયલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૂછપરછમાં સામે આવ્યુ છેકે, મૂળ કલકત્તાના ઝફરપુર પંચનતાલાનો રહેવાસી રણજીત પરવત દાસની શનિ અને રવિવારની રજા દરમિયાન કલકત્તાથી ચોરી કરવા માટે ગાંધીનગર આવતો હતો અને ચોરી કરીને તે પરત કલકત્તા જતો રહેતો હતો.
શહેરના સેક્ટર 1,7 અને 8માં અગાઉ થયેલી ઘરફોડ ચોરીમાં પણ સીસીટીવીમા તે દેખાયો હતો. જેમાં અગાઉ ત્રણ જેટલા બંધ મકાનમાં તેણે ચોરી કરી હતી અને કુલ 23.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એટલું જ નહીં તે સુથારી કામ જાણતો હોવાથી તેના સાધનો લઈને આવતો હતો અને તેની મદદથી મકાન ખોલી ચોરીઓ કરતો હતો. સેક્ટર-8માં એક ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસેલા ચોરને માલિકે પકડી પાડ્યા બાદ તેની સારવાર કરાવી હતી.