ગાંધીનગર
શહેરના સેક્ટરોમાં સર્વેના બાદ 3,500 જેટલા સરકારી આવાસો ભયજનક હોવાનું ધ્યાને આવ્યા બાદ આ જોખમી આવાસ તોડી પાડી જગ્યા ખુલ્લી કરવાનું કામ પાટનગર યોજના વિભાગ દ્વારા એજન્સીઓને સોંપવામાં આવ્યું છે પરંતુ અનેક એજન્સીઓ દ્વારા ડિપોઝીટ જમા કરાવી કામ શરૂ કરવામાં આવ્યું નથી. જેના કારણે સેક્ટરોમાં જોખમી આવાસ તોડીને જગ્યા ખુલ્લી કરવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. પરિણામે નવા આવાસ બનાવવા માટે સ્થળ પસંદગીનો મામલો પણ અટવાયો છે. કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપ્યા બાદ પણ કામ શરૂ થઇ શક્યું નથી. પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના 5 દાયકા જૂના સરકારી આવાસોના સ્ટ્રક્ચર સરવે બાદ જોખમી આવાસ ખાલી કરાવ્યા હતા અને તેને તોડી પાડીને જમીન ખુલ્લી કરવા નિર્ણય લેવાયો હતો. સરકારે તેની મંજુરી આપતાં તેનાં કોન્ટ્રાક્ટ અપાયા હતાં. પરંતુ એજન્સીઓએ ઘણા કિસ્સામાં ડિપોઝીટ ભરી ન હતી અને કામો પણ શરુ કરવામાં આવ્યા નથી. આવી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાની ચેતવણી સાથે નોટિસો આપવામાં આવી હતી. જ્યારે વિવિધ સેક્ટરોમાં જોખમી આવાસો તોડી પાડવા મામલે ત્રણેક મહિના અગાઉ ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કામ રાખનાર એજન્સીએ આવાસ તોડવાની કામગીરી શરૂ કરી નથી. બીજીતરફ હજુ 1400થી વધુ નવા મકાનો બનાવવાનું આયોજન પણ છે ત્યારે આ જગ્યા ખુલ્લી નહીં થતાં સ્થળ પસંદગીનો મુદ્દો વિલંબમાં પડે તેવી સ્થિતિ છે. આવાસો તોડી પાડવા માટે નિયત કરાયેલા પૈકીના સેંકડો આવાસ વર્ષોથી બંધ હાલતમાં પડેલા છે. આવા સંજોગોમાં લોખંડની ભારે બારીઓ, લોખંડની રેલીંગ ઉપરાંત લાકડાના બારી, દરવાજા ગુમ થઇ ગયા હોવાની પણ ફરિયાદો પણ ઉઠવા પામી હતી. કેટલાક મકાનોમાં તો દિવાલો સિવાય કશું રહ્યું નથી.