નવીદિલ્હી
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પર ખોટી રજૂ કરવાનો અને લોકસભા ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. મણિકમ ટાગોરે મંગળવારે કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી. ટાગોરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સંબોધીને લખાયેલ વિશેષાધિકાર ભંગની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે, સોમવારે નીચલા ગૃહમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કથિત નિવેદન અંગે રિજિજુએ ગૃહને ગેરમાર્ગે દોર્યું હતું. તેમનું કહેવું છે કે શિવકુમારે પોતે મંત્રીના નિવેદનને ખોટું અને અપમાનજનક ગણાવીને તેને નકારી કાઢ્યું છે. લોકસભામાં કોંગ્રેસના વ્હીપ ટાગોરે કહ્યું, હું વિનંતી કરું છું કે, કિરેન રિજિજુ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવે.
રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે સોમવારે ઉપલા ગૃહના નેતા જેપી નડ્ડા અને સંસદીય બાબતોના પ્રધાન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પણ આપી હતી. તેમણે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શિવકુમારના કથિત નિવેદન અંગે ભાજપના નેતાઓ પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.શિવકુમારનું નામ લીધા વિના, સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ લોકસભામાં કહ્યું હતું કે, “બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ કહે છે કે, મુસ્લિમોને અનામત આપવામાં આવશે અને બંધારણમાં ફેરફાર કરવામાં આવશે… ભારતના બંધારણમાં ધર્મના નામે કોઈ અનામત હોઈ શકે નહીં.” લઘુમતી બાબતોના મંત્રીએ કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીને પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું કહેવા માંગુ છું. જો તમે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં માનતા હો, તો નિવેદન આપનાર વ્યક્તિને તાત્કાલિક બરતરફ કરો. શિવકુમારે સોમવારે રાજ્યમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવા અંગે કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તેમની ટિપ્પણી ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.