પંચમહાલ
પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી, ગોધરા ખાતે જિલ્લા સ્તરની સંચાર સમિતિ (DLTC)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાત એલ.એસ.એ. દૂરસંચાર વિભાગના ગ્રામીણ શાખાના ડિરેક્ટર અવિનાશ ખત્રી અને સહાયક ડિરેક્ટર કમલભાઈ પવાર પણ જોડાયા હતા. 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં “Call Before U Dig” (CBuD) એપ અંગે પણ મહત્વની ચર્ચા થઈ હતી. આ એપ ભૂગર્ભ ઉપયોગિતાઓને થતા નુકસાનને રોકવા માટે વિકસાવવામાં આવી છે. એપ દ્વારા ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ, વોટર પાઈપલાઈન, ઈલેક્ટ્રિક કેબલ અને ગેસ પાઈપલાઈનને થતા નુકસાનને અટકાવી શકાય છે. વડાપ્રધાન દ્વારા માર્ચ 2023માં લોન્ચ કરાયેલી આ એપ ખોદકામ એજન્સીઓ અને સેવા પ્રદાતાઓ વચ્ચે બેહતર સંકલન સ્થાપે છે. એપ દ્વારા અનધિકૃત ખોદકામની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી શકાય છે. સરકાર આ એપ દ્વારા અનધિકૃત ખોદકામ પર નજર રાખી શકે છે.