ખંભાળિયામાં નકલી અધિકારી તરીકે પકડાયેલા જીલ પંચમતીયા વિરુદ્ધ પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. રામનાથ સોસાયટીના રહેવાસી અને જોધપુર ગેઈટ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીના પુત્ર જીલે પૂર્વયોજિત રીતે કૌભાંડ આચર્યું હતું. આરોપીએ ઉચ્ચ અધિકારીઓની નેમ પ્લેટ, ફર્જી દસ્તાવેજો, ઓળખકાર્ડ અને નિમણૂક પત્રો બનાવ્યા હતા. પોલીસ તપાસમાં તેની સામે અત્યાર સુધીમાં કુલ આઠ ગુનાઓ નોંધાયા છે. તેણે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર હોવાનો દાવો કરી કેટલાક સર્ટિફિકેટ અને દસ્તાવેજો બનાવી આપ્યા હતા. પોલીસે આરોપીની બેઠક રોડ પરની ઓફિસ અને રામનાથ સોસાયટીના મકાનમાં તપાસ કરી છે. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હવે પોલીસે અન્ય ગુના સંદર્ભે તેનો કબજો મેળવ્યો છે. આવતીકાલે શનિવારે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વમાં પીઆઈ સી.એલ. દેસાઈ વધુ તપાસ માટે તેને કોર્ટમાં રજૂ કરશે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીએ અનેક યુવાનોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તેની ક્રાઈમ કુંડળીમાં વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા છે.