મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેગાટ્રોન સિરામિક કારખાનાની પાછળ પાણીના ખાડામાંથી એક યુવક મજૂરનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતક વિશાલકુમાર ગોવિંદભાઈ રાવળ (ઉંમર 20) મૂળ ગાંધીનગર જિલ્લાના વેડ ગામનો રહેવાસી હતો. તે હાલમાં શાપર ગામમાં પાવળીયારી પાસે આવેલ મેગાટ્રોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. 24 માર્ચની વહેલી સવારે વિશાલકુમાર કારખાનાની પાછળના ભાગમાં કુદરતી હાજતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે 9:30 વાગ્યાના સુમારે પાણી ભરેલા ખાડામાંથી તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ અધિકારી સબળસિંહ સોલંકી કરી રહ્યા છે.